Navsari: દાંડીના દરિયામાં 7લોકો ડૂબ્યા 3 બચાવાયા જ્યારે ગુમ થયેલ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા ડિઝાસ્ટર વિભાગની વિવિધ ટીમોને ભારે જહેમત બાદ વિવિધ સ્થળોએથી મૃતદેહ મળી આવ્યા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામ અરબી સાગરના કિનારો આવેલ છે. ત્યાંનાં દરિયાકાંઠા પર નજીકના વિસ્તારો અને આજુ બાજુના જિલ્લામાંથી લોકો સમુદ્ર નિહાળવા આવતા હોય છે. ગતરોજ તા. ૧૨-૫-૨૦૨૪ એ બપોરે આશરે ૦૧.૩૦ – ૦૧.૪૫ કલાકના અરસામાં મૂળ રાજસ્થાનના રહીશ હાલ નવસારી ખાતે રહેતા પરિવાર સાથે 7 લોકો દાંડીના દરિયા ન્હાવા પડ્યા હતા આ દરમ્યાન આ લોકો દરિયામાં તણાવવા લાગ્યા હતા જે અંગેની ખબર કાંઠા પર બચાવ કામગીરી માટે સ્થિત હોમગાર્ડને મળતા તરત તેઓ બચાવ અર્થે દરિયામાં ઉતર્યા હતા અને ૩ લોકો (૧) વિમલભાઈ ઇશ્વરભાઇ હળપતિ, ઉ.વ.૨૫, રહે. કસબાપાર, (૨) રાકેશભાઈ જીતેશભાઈ, ઉ.વ. ૧૫ તથા (૩) અતિષભાઈ જીતેશભાઈ, ઉ.આ.૨૦, બંને રહે, મહુવા, જી.સુરતનો બચાવ કરીને તેઓને સફળતાપૂર્વક કિનારે લઈ આવ્યા હતા. ત્યારબાદ ૪-ઇસમો (૧) દક્ષુ ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૧૧, (૨) સુશીલાબેન ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૪૦, (૩) યુવરાજ ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૧૬, (૪) દુર્ગા રોશનસીંગ રાજપૂત ઉ.વ.૧૭ ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
:- દાંડી જતા માર્ગમાં કેરીની મજા માણતી તસવીરો અંતિમ તસવીરો બની..
નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા દાંડી થી ઓંજલ વચ્ચેનો દારીયાકાંઠો તથા દાંડી થી વાંસી-બોરસી તરફનો કાંઠો તથા વચ્ચે આવતી પૂર્ણા નદીની ખાડીના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતેથી SEOC (STATE EMERGENCY OPERATION CENTRE) GANDHINAGAR ને જાણ કરતા તેઓ દ્વારા એક SDRF (STATE DISASTER RESPONSE FORCE)ની ટીમ, નવસારી ધોલાઈ બંદર સ્થિત મરીન કમાંડોની ટીમ દ્વારા દાંડી ખાતે તથા સ્થાનિક આગેવાનો અને તેઓના ATV (ઓલ ટેરેન વ્હીકલ) દ્વારા ઓંજલથી લઈને પુર્ણા નદીની ખાડી સુધીના વિસ્તારમાં સતત મોડી રાત સુધી શોધખોળની કામગીરી હાથ ધરી હતી.
આજરોજ વહેલી સવારે આશરે ૪:૩૦ અને ૫:૩૦ કલાકે ૪ ગુમ થયેલ લોકો પૈકી દક્ષુ ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૧૧ તથા સુશીલાબેન ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૪૦, રહે. ખડસુપા બોર્ડીંગના મૃતદેહ દાંડી અને ઓંજલ વચ્ચેના તટમાંથી મળી આવ્યા હતા. તથા સવારે ૯:૦૦ કલાકથી સવારે ૧૦:૧૫ કલાકના અરસામાં SDRF, મરીન કમાંડો તથા ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરતાં પૂર્ણા નદીની ખાડી અને વાંસી-બોરસીના તટના વિસ્તારમાંથી (૧) યુવરાજ ગોપાળભાઈ વર્મા, ઉ.વ.૧૬ તથા (૨) દુર્ગા રોશનસીંગ રાજપુત, ઉ.વ.૧૭ ના મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ ૪-મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જઇ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.