MORBI:મોરબીના તનિષ્ક શોરૂમના સ્ટાફે મિલાપીપણું કરી રૂપિયા અઢી કરોડના દાગીનાની કરી ઉચાપત

MORBI:મોરબીના તનિષ્ક શોરૂમના સ્ટાફે મિલાપીપણું કરી રૂપિયા અઢી કરોડના દાગીનાની કરી ઉચાપત
મોરબીમાં આવેલ ટાટા કંપનીના તનિષ્ક શોરૂમના સ્ટાફે મિલાપીપણું કરી રૂપિયા અઢી કરોડના દાગીના બરોબર વેચી મારવાની સાથે બે કર્મચારીઓએ તો તનિષ્કનાં દાગીના બઠાવી લઈ ફાયનાન્સ કંપનીમાંથી સોનાના દાગીના ઉપર ધિરાણ પણ મેળવી લીધાનું સાએ આવ્યું છે, જો કે, ફ્રેન્ચાઈજી સંચાલકોએ ખાતર ઉપર દીવા જેવા ઘાટ વચ્ચે આ બન્ને કર્મચારીઓને રોકડા નાણાં આપી આ દાગીના પરત છોડાવી લેતા હાલમાં રૂપિયા 1 કરોડ 56 લાખ 14 હજારની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે, સાથે જ આ અજબ-ગજબ છેતરપિંડીની ઘટનામાં ટાટા કંપનીના થર્ડ પાર્ટી ઓડિટરની પણ સંડોવણી સામે આવતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
ચકચારી આ ઘટનાની વિગત જોઈએ તો મોરબીમાં તનિષ્ક શોરૂમની ભાગીદારીમાં ફ્રેન્ચાઈજી ધરાવતા વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયા, રહે.મોરબી રવાપર લીલાપર રોડ, પ્લેટીનીયમ હાઇટસ વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના શોરૂમમાં બે મેનજરની જગ્યા હોય અને એક જગ્યા ખાલી હોવાથી નવા બીજા મેનેજર તરીકે રાજકોટના પરિમલભાઈની નિમણુંક કરવામાં આવતા સ્ટોકની ગણતરી કરતા સ્ટોકમાં 2,53,16,000ની કિંમતના નાના મોટા 104 દાગીના ઓછા હોવાનું સામે આવતા ટાટા કંપનીને જાણ કરી તમામ સ્ટોક લેવામાં આવતા છેલ્લા બે વર્ષ દરમિયાન તેઓના મોરબીના તનિષ્ક શોરૂમમાંથી જવાબદાર સ્ટાફ દ્વારા જ ઉચાપત કરવામાં આવી હોવાનું સીસીટીવી અને સ્ટાફની પૂછપરછમાં બહાર આવ્યું હતું.