
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઇને પત્રકાર પરિષદ કરી હતી અને ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.
પરશોત્તમ રૂપાલાએ કહ્યું, ‘આપ બધાને ખ્યાલ હશે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના સમયમાં હું ચૂંટણી લડ્યો. મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખુબ મોટા વમળો સર્જાયા છે. એને કારણએ આ સમયમાં હું જાહેર જીવનમાં પીડાદાયક કહો, કષ્ટદાયક સમયમાંથી પસાર થયો છું. મારી ભૂલ થઇ, મારાથી ભૂલ થઇ. આખી ઘટનાનું કેન્દ્ર બિન્દુ હું જ હતો, થયું એવું કે અમારી પાર્ટી પણ એમાં લપેટાઇ ગઇ, અમારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે.’મારે આપ સૌને કહેવું છે કે હું માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર.’
રૂપાલાએ વધુમાં કહ્યું કે, ‘હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પુરી થઇ છે અને મતનો વિષય નથી અને રાજનીતિનો વિષય નથી. હવે હું પરશોત્તમ રૂપાલા ભાજપનો કાર્યકર્તા અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને જે માફી માંગી હતી. આજે હું નમ્રતા પૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું. ક્ષત્રિય સમાજની માતૃશક્તિને વિનંતી કરૂ છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે.’
પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, આજે રાજનીતિથી પ્રેરિત મારૂ નિવેદન નથી. હું કહેવા માંગુ છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા નરેન્દ્ર મોદીને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે અને એમને પણ નાનું મોટું કશું પણ થયું હશે તે પણ મારા માટે પીડાદાયક અને કષ્ટદાયક છે.









