RAMESH SAVANI
એક તરફ અક્ષૌહિણી સેના/ બેશુમાર પૈસા/ચૂંટણીપંચ/ ગોદી મીડિયા છે; બીજી તરફ છે સુદામાના તાંદુલ !

ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે એ હકીકત છે. ગમે તે એટલા માટે કે ચૂંટણી અસમાન ભૂમિકાએ લડાઈ રહી છે. એક પાસે અક્ષૌહિણી સેના છે, બેશુમાર પૈસા છે, સત્તા છે, ચૂંટણીપંચ અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ કબજામાં છે, ગોદી મીડિયા છે, બોલીવુડ છે જેમાં કેટલાક લોકો કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનાવે છે, જૂઠાણાં ફેલાવનારી અને ટ્રોલીંગ કરનારી ફોજ છે, દિમાગ ભાડે આપી દીધેલા સમર્થકોનાં ટોળાં છે, હરીફ રાજકીય પક્ષોનાં ફાડિયાં કર્યાં છે, વિરોધ પક્ષના અનેક નેતાઓને ડરાવીને કે ખરીદીને ભાજપમાં લઈ લીધા છે, કેટલાંક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારો છીનવી લીધી છે; જ્યારે બીજા પાસે માત્ર સુદામાના તાંદુલ છે. જો અસમાનતા ન હોત અને ચૂંટણી મુક્ત અને ન્યાયી એમ બન્ને રીતની હોત તો ખાતરીપૂર્વક એમ કહી શકાત કે સ્થિતિ પલટાઈ ગઈ છે અને ભાજપનો પરાજય થઈ રહ્યો છે. આટલી પ્રચંડ તાકાત હોવા છતાં અને લડાઈ એકપક્ષીય કરી નાખી હોવા છતાં વડા પ્રધાન પ્રતિકુળતા જોઇને અંદરથી હલી ગયા છે એ તેમના ચહેરા પર અને તેમની ભાષા દ્વારા જોઈ શકાય છે.
ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને પી. વી. નરસિંહ રાવને સંકટનો સામનો કરતા મેં જોયા છે. તેઓ અંદરના ભાવને છૂપાવી શકતા હતા. પોતાના પુત્ર સંજય ગાંધીનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો હતો ત્યારે હોસ્પિટલની કોરીડોરમાં ઊભેલા ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, ‘મારા કાર્યાલયમાંથી મુલાકાત માટે તમને ફોન આવશે. મારે તમારી સાથે ચીન વિષે વાત કરવી છે.’ વાજપેયી આ તાકાત જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ પ્રસંગ તેમણે પોતે જ જાહેરમાં કહ્યો છે.
પણ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંદરના ભાવને છૂપાવી શકતા નથી. તે તેમના ચહેરા ઉપર અને વાણીમાં પ્રગટ થઈ જાય છે. અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં નાછૂટકે પત્રકારોને મળવું પડ્યું અને તેમાં એક અમેરિકન પત્રકારે ભારતમાં લોકતંત્રનું હનન થઈ રહ્યું છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. આવો પ્રશ્ન પૂછાવાનો છે એની જાણ હોવા છતાં અને તેનો જવાબ પ્રોમ્પ્ટર પર લખી રાખ્યો હોવા છતાં તેઓ પોતાના અસ્વસ્થતાના ભાવને છૂપાવી શક્યા નહતા. આવા તો બીજા અનેક પ્રસંગ છે. કરણ થાપરે તેમની લાઈવ મુલાકાત લીધી એ પ્રસંગ તો જાણીતો છે. તેમનો અહં ઘવાય છે ત્યારે ચહેરો ફિક્કો પડી જાય છે, તપતપી ઊઠે છે અને ભાષા પર સંયમ રહેતો નથી. વડા પ્રધાનના ચૂંટણી પ્રચારમાં આ બધું જોવા મળી રહ્યું છે.
પણ સવાલ એ છે કે અનુકૂળતા પ્રતિકૂળતામાં કેમ ફેરવાઈ રહી છે? તાકાતમાં વધારો કરનારાં દરેક રસાયણો અને પદાર્થો હોવા છતાં ડર? શું નથી તેમની પાસે? એક ચીજ નથી અને એ છે અદનો નાગરિક. એના વિષે ખાતરીપૂર્વક કહી શકાતું નથી કે તે કબજામાં છે. એની પાસે ડરવા માટે કાંઈ જ નથી. કંઈક હોય તો ડરાવો ને ! તેની પાસે વેચવા માટે કાંઈ જ નથી. નથી મીડિયા, નથી કલમ, નથી ધંધો, નથી કારોબાર, નથી પ્રતિષ્ઠા કે વગ. તેની પાસે વેચવા માટે જો કોઈ ચીજ હોય તો ખરીદો ને ! પાછી આવા નાગરિકોની સંખ્યા સૌથી વધુ છે, જે વંચિત હોવાની એક જ ઓળખ ધરાવે છે. તેઓ બહુમતીમાં છે. બહુમતી રાષ્ટ્રવાદ ગરીબોનો અને ગરીબો માટે હોવો જોઈએ, પણ અહીંયા ઊંધો ખેલ છે. શાસક પક્ષના નેતાઓની ગણતરી એવી હતી કે આ ગરીબોને અનેક યોજનાઓ હેઠળ રાહત આપીને જીવાડી રાખશું. તેમને જોઈએ છે શું બે ટંકના રોટલા સિવાય ! આજે જીવી ગયા તો બસ. એટલે તેમને જીવાડી રાખશું તો તેમના મત મળતા રહેશે. બીજી બાજુ શેઠિયાઓને માલામાલ કરીને કે પછી ડરાવીને એટલું ધન ભેગું કરવું કે વિરોધી સામે ટકી જ ન શકે. અસમાન રાજકીય મેદાન તેમ જ અર્ધો હારેલો કંગાળ પ્રતિસ્પર્ધી અને સદૈવ આશ્રિત મતદાતા. ગરીબોને આશ્રિત રહેવાની આદત પાડો. ઊહાપોહ નહીં કરવાનો, તમને ખાવા મળી રહેશે, અમને મત આપતા રહો.
આવું એક રાજકીય રસાયણ તેમણે વિકસાવ્યું છે અને તેમને ભરોસો હતો કે દાયકાઓ સુધી આ રસાયણ ફળ આપતું રહેશે. ફળ મળવા પણ લાગ્યું એટલે તેમનો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે તેઓ તુમાખીનું પ્રદર્શન કરવા લાગ્યા અને મનસ્વીપણે વર્તવા લાગ્યા. લોકસભામાં કહેવામાં આવ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. અને એમ પણ કહેવાયું કે ઇસ બાર ચારસો પાર !
હવે જેમની પાસે ડરવા માટે કે વેચવા/ખરીદવા માટે કાંઈ નથી તેમને સમજાઈ રહ્યું છે કે આ સરકાર શ્રીમંતોની સેવા કરનારી શ્રીમંતો માટેની છે. હિન્દુત્વવાદીઓ હિંદુઓને શું આપે છે? હિંદુ-મુસ્લિમ વિખવાદ, રામ મંદિર અને મફતમાં તીર્થયાત્રા. જેમને લાંબી જિંદગી જીવવાની છે એ યુવાનો બેરોજગાર છે અને તેમનાં લગ્ન થતાં નથી. માં-બાપ બેકાર અને કુંવારા દીકરાને ઘરમાં બેઠેલો જોઇને મનોમન વલોવાય છે. ગરીબો ભાવવધારાથી દુઃખી છે. આ સિવાય વિચાર કરવાની ક્ષમતા ધરાવનારા હિંદુઓને સમજાઈ ગયું છે કે અત્યારના શાસકો તાનાશાહ છે અને માણસાઈ કે મર્યાદામાં માનતા નથી. તેમને જો ભારે બહુમતી મળી તો તેઓ લોકશાહી ખતમ કરી નાખશે, લગભગ એક પક્ષીય શાસન આવશે, બંધારણ પણ બદલી શકે છે અને આપણને આરક્ષણ દ્વારા આગળ વધવાની જે તક આપવામાં આવે છે તેને પણ ખતમ કરી નાખશે. ભાજપમાં પ્રવેશ મેળવીને હિન્દુત્વના નામે ગુંડાઓ બળાત્કાર કરશે અને માથાભારે થઈને ફરશે. આવું અત્યારે જ બની રહ્યું છે. પહેલવાન છોકરીઓ સાથે જે બન્યું એ નજીકનો ભૂતકાળ છે. આમ જેને વિચારતા આવડે છે એ વિચાર કરતા થઈ ગયા છે. આ એ લોકો છે જેમણે 2019ની સાલમાં શંકાનો લાભ આપીને બીજેપીને મત આપ્યો હતો. 2014માં જે કહેવામાં આવ્યું હતું તેને અમલમાં ઉતારવા હજુ એક તક આપવી જોઈએ એમ તેઓ માનતા હતા. હવે તેમની આંખ ઊઘડી ગઈ છે. તેઓ મુસ્લિમ વિરોધી હોય તો પણ એટલા મુસ્લિમ વિરોધી નથી કે પોતાનું ઘર બાળીને પણ સાથ આપે !
પેલું રાજકીય રસાયણ કામમાં આવતું નથી એવા આસાર નજરે પડવા લાગ્યા છે એટલે વડા પ્રધાન અંદરથી હલી ગયા છે. તેમના ચહેરા પર ડર નજરે પડી રહ્યો છે અને ભાષાનું સ્તર નીચે ઊતરી રહ્યું છે. એક વડા પ્રધાનને શોભે નહીં એવી ભાષામાં ધડમાથા વિનાની વાતો તેઓ કરી રહ્યા છે. અને હજુ એક વાત તમે નોંધી? 2014 અને 2019ની ચૂંટણીમાં વડા પ્રધાન એજન્ડા સેટ કરતા હતા અને બીજા હતપ્રભ થઈને પ્રતિભાવ આપતા હતા. અત્યારે કોંગ્રેસ અને મુખ્યત્વે રાહુલ ગાંધી એજન્ડા સેટ કરે છે અને વડા પ્રધાન હતપ્રભ થઈને પ્રતિક્રિયા આપે છે ! સામેથી બેરોજગારી, ભાવ વધારો, ઈલેક્ટોરલ બોન્ડ્સ, અદાણી અને ચીને ભારતની ભૂમિ પર કરેલા કબજાની વાત આવે ત્યારે વડા પ્રધાન મંગળસૂત્ર, મુઘલ, મટનની અસંબદ્ધ વાતો કરે છે ! ચૂંટણીનાં મેદાનમાં પ્રચંડ પ્રમાણમાં અસમાનતા હોવાના કારણે ભાજપ જીતી પણ શકે છે, પરંતુ પ્રચારમાં પરાજય થઈ ચુક્યો છે. કલ્પના તો કરો, વડા પ્રધાન પાસે કહેવા માટે કશું જ નથી ! પ્રગતિશીલ મુદ્દાઓથી દૂર ભાગે છે !rs [સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, 3 મે 2024. કાર્ટૂન સૌજન્ય : Mir Suhail/ સતિષ આચાર્ય]

[wptube id="1252022"]





