મણિપુરમાં ગત વર્ષની જાતિય હિંસાને લઈ CBIની ચાર્જશીટમાં અનેક ખુલાસા સામે આવ્યા, પોલીસ સામે સવાલો ઉઠીયા
પોલીસકર્મીઓએ જ ટોળાને હવાલે કરી

મણિપુરમાં ગત વર્ષની જાતિય હિંસાને લઈ CBIની ચાર્જશીટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. ચાર્જશીટ અનુસાર જે કુકી સમાજની મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા પર પરેડ કરવામાં આવી હતી તેમને પોલીસકર્મીઓએ જ ટોળાને હવાલે કરી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે જ્યારે મહિલાઓ ગુનેગારોથી બચીને પોલીસ પાસે મદદ માટે ગઈ તો ગાર્ડે તેમને ગુનેગારોના ટોળાને સોંપી દીધા. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ મહિલાઓને તેમના જ વાહનમાં મેઈતે તોફાનીઓની ભીડમાં લઈ ગઈ હતી.
ગયા વર્ષે મણિપુરમાં જાતિય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આમાં એક એવી ઘટના પણ સામે આવી હતી જેણે દેશવાસીઓને ચોંકાવી દીધા. કુકી સમુદાયની બે મહિલાઓને મેઇતે સમુદાયના તોફાનીઓએ નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઘટનાના લાંબા સમય બાદ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના પર CBIએ પોતાની ચાર્જશીટમાં મોટા ખુલાસા કર્યા છે. CBIએ ચાર્જશીટમાં કહ્યું છે કે બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરતા પહેલા તેમને કપડાં ઉતારીને રોડ પર પરેડ કરાવવામાં આવી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ટોળાએ પરિવારની ત્રણ મહિલા પર પણ હુમલો કર્યો હતો અને તેમના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રીજી મહિલાએ તેની પૌત્રીને ચુસ્તપણે પકડી રાખી હતી. અને તે ભાગવામાં સફળ રહી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય પીડિતાઓએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ પાસેથી મદદ માંગી હતી, પરંતુ તેમને કોઈ મદદ મળી ન હતી. ચાર્જશીટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત મહિલાઓમાં એક કારગિલ યુદ્ધમાં સેવા આપનાર સૈનિકની પત્ની પણ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાઓએ પોલીસકર્મીઓને વાહનમાં સલામત સ્થળે લઈ જવા કહ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓએ કથિત રીતે તેમને કહ્યું હતું કે તેમની પાસે વાહનની ચાવી નથી અને તેમણે કોઈ મદદ કરી ના હતી.
નોંધનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે 4 મેની ઘટનાના લગભગ બે મહિના પછી જુલાઈમાં આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં બે મહિલાઓ પુરુષોના ટોળા દ્વારા ઘેરાયેલી અને નગ્ન પરેડ કરતી જોવા મળી હતી. સીબીઆઈએ ગયા વર્ષે 16 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં સ્પેશિયલ જજ, CBI કોર્ટ સમક્ષ છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે બે મહિલાઓ, એકે રાઇફલ્સ, એસએલઆર, ઇન્સાસ અને 303 રાઇફલ્સ જેવા અત્યાધુનિક હથિયારોથી સજ્જ લગભગ 1,000 લોકોના ટોળાથી બચવા ભાગી રહી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે એક ટોળાએ સૈકુલ પોલીસ સ્ટેશનથી લગભગ 68 કિલોમીટર દક્ષિણમાં કાંગપોકપી જિલ્લામાં તેમના ગામમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હતો. ટોળાથી બચવા માટે મહિલાઓ અન્ય પીડિતો સાથે જંગલમાં ભાગી હતી, પરંતુ તોફાનીઓએ તેમને જોયા અને પીછો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભીડમાંના કેટલાક લોકોએ મહિલાઓને મદદ લેવા માટે રસ્તાના કિનારે પાર્ક કરેલા પોલીસ વાહનમાં જવા કહ્યું.
મહિલાઓ પોલીસ વાહનમાં પ્રવેશવામાં સફળ થઈ જેમાં બે પોલીસકર્મીઓ અને ડ્રાઈવર પહેલેથી જ બેઠા હતા, જ્યારે ત્રણ-ચાર પોલીસકર્મીઓ વાહનની બહાર હતા. એક પુરુષ પીડિત પણ વાહનની અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો અને ડ્રાઇવરને સલામત સ્થળે લઈ જવા માટે વિનંતી કરી હતી પરંતુ તેની પાસે કોઈ ચાવી ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. પીડિતોમાંથી એકના પતિએ ભારતીય સેનામાં આસામ રેજિમેન્ટના સુબેદાર તરીકે સેવા આપી હતી. CBIનો આરોપ છે કે પોલીસે ટોળાના હુમલાથી વાહનમાં બેઠેલા વ્યક્તિના પિતાને પણ બચાવવામાં મદદ કરી નથી.
પાછળથી, ડ્રાઇવરે વાહન લીધું અને લગભગ 1,000 લોકોની ભીડની સામે તેને રોક્યું. પીડિતોએ પોલીસકર્મીઓને સલામત સ્થળે લઈ જવાની અપીલ કરી હતી, પરંતુ તેઓએ કોઈ મદદ કરી ન હતી. તપાસ એજન્સીએ કહ્યું કે ટોળાએ પહેલા તે વ્યક્તિના પિતાની હત્યા કરી જે મહિલાઓ સાથે ગાડીમાં બેઠેલા હતા. આ પછી વાહનમાં બેઠેલા પુરુષ પીડિતાને પણ માર માર્યો હતો. તેઓના મૃતદેહને ગામ પાસેની સૂકી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
પોલીસકર્મીઓએ પીડિતોને હિંસક ટોળાને સોંપી દીધા અને ત્યથી ચાલ્યા ગયા હતા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તોફાનીઓએ મહિલાઓને બહાર ખેંચી અને તેમની સાથે યૌન શોષણ કરતા પહેલા નગ્ન પરેડ કરી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી મહિલાએ તેની પૌત્રી સાથે બીજા ગામમાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો અને બીજા દિવસે બીજા ગામમાં તેના પરિવારને મળી.
સીબીઆઈએ હુઈરેમ હેરોદાસ મેઈતે અને અન્ય પાંચ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને એક કિશોર વિરુદ્ધ રિપોર્ટ પણ દાખલ કર્યો છે. મણિપુર પોલીસે જુલાઈમાં હેરોદાસની ધરપકડ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ગેંગ રેપ, હત્યા, મહિલાની ગરિમાને ઠેસ પહોચડવી, અને ગુનાહિત ષડયંત્રને લગતી કલમો સામેલ છે.










