ભરૂચમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરબેઠા મતદાન કરીને ચૂંટણી તંત્રનો હૃદય પૂર્વક આભાર માન્યો.

ભરૂચમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરબેઠા મતદાન કરીને ચૂંટણી તંત્રનો હૃદય પૂર્વક આભાર માન્યો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૪/૨૦૨૪
ભરૂચ- મંગળવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૪માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૮૫થી વધુની વયના અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘરબેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. તારીખ ૨૯ એપ્રિલથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત ૩૦ એપ્રિલની સ્થિતિએ જિલ્લામાં ૯૬ જેટલા વયોવૃદ્ધ અશક્ત અને ૩૧ જેટલા દિવ્યાંગ મતદાતાઓએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્ણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ બજાવી હતી.
ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ અશક્ત વડીલો અને દિવ્યાંગોના ધરે ધરે જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે. ફોર્મ ૧૨-ડી જેમણે ભર્યું હતું. તેમજ બી.એલ.ઓ. દ્નારા કરાયેલા સર્વે પ્રમાણે ૮૫ થી વધુ વયના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવી રહી છે.
ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાની સામાન્યની આ ચૂંટણીઓમાં ૮૫ વર્ષથી વધુ વયના અશક્ત વડીલો, દિવ્યાંગો અને તેમના નિવાસ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ચૂંટણીની જાહેરાત બાદ ૮૫ થી વધુની વયના વયોવૃદ્ધ અશક્ત મતદારો અને દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું હતું. જેમણે ફોર્મ ૧૨-ડી ભર્યા હતા એવા વડીલો, દિવ્યાંગોએ ઘર બેઠા મતદાન કર્યું.
જિલ્લા ચૂંટણી તંત્રની વિધાનસભા પ્રમાણે આખી ટીમ પોતાની સાથે પોસ્ટલ બેલેટ માટેની તમામ વ્યવસ્થાઓ સાથે આવા મતદારોના નિવાસ્થાને પહોંચી હતી. તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો કે તેમણે નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ પણ હોય છે. અને વડીલ કે દિવ્યાંગ વ્યક્તિ ઘેર બેઠા મતદાન કર્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથક જેવી જ ગુપ્તતા જાળવવામાં આવી હતી.