
થોડા સમય પહેલા ની વાત છે. ઘરે થોડુંક કામ હોવાથી વડોદરા થી જુનાગઢ ગયો હતો. જીવનનું બીજું નામ છે સમય જે આપણે બધાને દેખાય છે પણ જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો એ જિંદગીમાં ઘટિત થતી ઘટનાઓથી જ ખબર પડે છે.
વડોદરા થી જુનાગઢ ની બસ પકડી આરામથી મારી સીટ ઉપર બેઠા બેઠા વિચારવા લાગ્યો કે ચાલો આજે વતનના સફરની મજા લેવાનો સમય આવી ગયો છે.જીવનમાં આવતા અને જતા મુસાફિર પાસેથી ઘણું બધું શીખવાનું મળી જાય છે. આપણા સર્વેના જીવનમાં એક મુસાફિર એવું આવે છે જે મુસીબતના ભરેલા રસ્તાઓ અને તેમાં બિછાવેલા કાંટાઓ કેમ હટાવવા તે બતાવે છે, પછી એ મુસાફિર પોતાના હોય કે પરાયો.
દસ કલાકની મુસાફરી કર્યા પછી હું જુનાગઢ બસ સ્ટેન્ડ પહોંચ્યો. જુનાગઢ થી મારા ગામ તરફ જવા માટે બીજી બસ પકડવી પડે એટલે વિચારવા લાગ્યો કે વહેલા બસ આવે તો ઘર તરફ નીકળી પડું.
પણ આ વિચાર કામ ના લાગ્યો, કારણ કે પૂછપરછ બારીએ પૂછ્યું તો જાણ પડી કે મારી બસ થોડી મોડી પડવાની છે, અનેઆ વાતે મારી આશા ઉપર પાણી ફેરવી નાખ્યું. એક આશા જાગી હતી કે વેહલાં ઘરે પહોંચીશ.
લાંબી મુસાફરી અને સાથે ચાલ્યો આવતો આ સામાન બંનેને સાચવીને થાકેલો હું બેસવા માટેની જગ્યા ગોતવા લાગ્યો. બસ સ્ટેન્ડની અંદર પડેલા બાંકડામાં થોડી જગ્યા બેસવા માટે મળી ગઈ સામાન બધો સરખો ગોઠવી હું બસની રાહ જોવા લાગ્યો.
ત્યાં અચાનક મારી નજર બસ સ્ટેન્ડની અંદર બેઠેલા એક ડોશીમા પર પડી, બંને આંખોથી જોઈ ન શકવાને કારણે લાકડીના સહારે આગળની વસ્તુને અનુભવ કરી આગળ વધી રહી હતી.બંને પગની શક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. એટલે બંને હાથ અને પીઠના સહારે એક જગ્યાથી બીજી જગ્યા ખસકીને આગળ વધી રહી હતી.
મેં થોડું આચાર્યચકિત થઈ ડોશીમાં સામું જોયું,તેમની ઉંમર ૬૫ થી ૭૦ વર્ષની આસપાસ દેખાઈ રહી હતી. હાલત જોઈને લાગી રહ્યું હતું કે તેને તરછોડી દેવામાં આવ્યા છે. કપાળના ઉપરના અને માથાના મધ્ય ભાગમાં ધૂળનું સિંદૂર સુંદર લાગી રહ્યું હતું. માથાના વાળ પર ધૂળ લાગી ગઈ હોવાથી વાળ પર જૂ પડી ગયા હતા. પુરુ શરીર ગંદુ હોવાને કારણે આસપાસ માખીઓ ઉડી રહી હતી. કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો પણ પછી ખબર પડી કે એક કાળો કેમ છે ? પુરા બસ સ્ટેન્ડની ધૂળ પોતાના કપડો વડે સાફ કરી લીધી હતી. આસપાસ ત્રણ નાની થેલીઓ પડી હતી જેમાં સારો સામાન ભરેલો હતો.
લાગી રહ્યું હતું કે એક-એક થેલી કંઈક ને કંઈક બોલી રહી હોય. કેવું હોત જો જગતનું બધું જ દુઃખ એક થેલીમાં બંધ કરી શકતા હોત, પણ આપણે આવું કરી શકતા નથી કેમકે આપણે માથે લઈને ફરીએ છીએ, દુઃખને વ્યક્ત કરવાની કોઈ ભરી ભાષા નથી કે કોઈ વ્યાખ્યા નથી હોતી.
સમય વીતતો ગયો અને સાથે-સાથે મને મારા સવાલોના જવાબ પણ મળતા ગયા. લાગી રહ્યું હતું કે આજે હું ખાલી થઈ ગયો છું. આકારથી નિરાકાર થઈ ગયો છું. જ્યારે પણ હું ડોશીમા સામે જોતો મને મારી બધીજ મુસિબતોના જવાબ મળી રહ્યો હતા.
ડોશીમા તેની આંખો વગરની આંખોથી બધાને જોય રહ્યા હતા, આવતાં જતાં લોકોને આંખો હોવા છતાં પણ ડોશીમાં સામે નજર પણ નાખી ન રહ્યું હતું. લાગી રહ્યું હતું કે તેમનું પૂરું જીવન આ બસ સ્ટેન્ડ પર જ વ્યતિક થયું હશે. કોણ ? અને શું કારણે ? અહીં છોડ્યા હશે. શું કામ ? આવી હાલતમાં છોડ્યા હશે ? એ યાદ કરીને પણ કેટલું દર્દ થાય તો તેના ઉપર શું વીતી હશે એ પોતેજ જણાવી શકે.
જિંદગીની આવી દશા જોઈને મારું હ્રદય પણ કંપી ગયું, પણ તેના ચહેરા પર એક સુખનું સ્મિત ફૂલોની જેમ ખીલ્યું હતું. જીવન એક ગીતની જેમ છે કઈ રીતે ? ગાવું તે આપણા પર નિર્ભર કરે છે, પોતાનાં જીવનનું ગીત એ સ્ત્રી દરોજ દિવસનો ગરમ સુરજ ઉગતા ની સાથે ચાંદની ઠંડી રાત સુધી એકલા ગાતી હશે. જીવનની મુસીબતોનો સામનો કેમ કરવો ? એવો સંદેશો બસ સ્ટેન્ડ પર આવતા અને જતા સેકડો લોગો ને આપી રહી હતી.
ત્યાં.. અચાનક મારી બસ આવવાના શબ્દો મારા કાને પડ્યા, અને હું તરત જ મારો સામાન ઊંચકી બસમાં બેસવાની જગ્યા મળતાની સાથે ઘરે જવા માટે રવાના થઈ ગયો.
ઘરનું થોડા દિવસનું કામ પતાવી હું ફરી પાછો વડોદરા માટે નીકળ્યો અને બસ સ્ટેન્ડ ઉપર આવ્યો, જોયું તો તે ડોશીમા નજરે ના ચડ્યા. પૂછપરછ બારીએ પૂછ્યું કે “મારી વડોદરા માટેની બસ ક્યારે આવશે” સાથે સાથે પૂછ્યું કે અહીં રહેતા આંધળા ડોશીમા ક્યાં ગયા છે, પણ વળતો જવાબ મળ્યો કે “એ ડોશી તો મરી ગઈ છે”,
પણ.. મેં હાર માન્યા વગર ઊંડો નિસાસો નાખી.બસ સ્ટેન્ડની ચારેય બાજુ નજર નાખી પણ બધું શાંત લાગી રહ્યું હતું.
ગિરિમાલસિંહ ચાવડા