
મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા તેમના એક નિવેદન અંગે મુશ્કેલીમાં મૂકાયા છે. તેમણે કહ્યું કે એવા ભ્રમમાં ન રહેશો કે મોદીની હવા છે, લહેર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી. જોકે હવે નવનીત રાણાનું આ નિવેદન વાયરલ થઇ રહ્યું છે.
નવનીત રાણાએ જે નિવેદન આપ્યું તેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોમાં કહેતા સંભળાય છે કે આપણે આ ચૂંટણી એવી રીતે લડવી પડશે જેમ આ કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય. આપણે 12 વાગ્યા સુધીમાં તમામ મતદારોને બૂથ સુધી લાવવા પડશે અને તેમને મતદાન કરવા કહેવું પડશે. ભ્રમમાં ન રહેશો કે મોદી લહેર છે. 2019માં મોદી લહેર હતી. તેમની પાસે સંસાધન હતા પણ તેમ છતાં હું એક અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી.
ઉલ્લેખનીય છે કે, નવનીત રાણાએ ગત લોકસભા ચૂંટણી એનસીપીના સમર્થનથી જીતી હતી. ત્યારે એનસીપીના ભાગલા નહોતા પડ્યા. આ દરમિયાન ઉદ્ધવની શિવસેના યુબીટીએ કહ્યું કે નવનીત રાણા સાચું બોલી રહ્યા છે. આવી જ પ્રતિક્રિયા એનસીપી શરદચંદ્ર પવારના પ્રવક્તા મહેશ તપસેએ આપી હતી. તેમણે કહ્યું કે, ભાજપને ખબર પડી ગઈ છે કે હવે મોદી લહેર નથી.
નવનીત રાણાએ વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિપક્ષે મારા વીડિયો સાથે ચેડાં કરી તેને વાયરલ કર્યો છે. મોદીના નામે જ લોકો પાસે સમર્થન માગવામાં આવી રહ્યું છે. દેશના વિકાસ માટે મોદી જરૂરી છે. હું મોદીના નામે અને દેશની ભલાઈ માટે જ લોકો પાસે વોટ માગી રહી છું. વિપક્ષ ગંદુ રાજકારણ કરવાનું બંધ કરે.