
ભારતીય જનતા પાર્ટી પર ફરી એક વખત બીજી પાર્ટીના ધારાસભ્યોને પોતાના પક્ષમાં જોડાવા માટે પૈસાની ઓફર આપી હોવાનો આરોપ લાગ્યો છે. આ વખતે આ આરોપ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લગાવ્યો છે. કર્ણાટકના સીએમ એ દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણી પહેલા BJP તેમની સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે અને રાજ્યમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, બીજેપીએ સત્તારુઢ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમણે બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, તે છેલ્લા એક વર્ષથી મારી સરકારને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે અમારા ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઓફર આપી. તેમણે પ્રયાસ કર્યો પરંતુ તેઓ અસફળ રહ્યા.
સીએમને જ્યારે પૂછવામાં આવ્યું કે, લોકસભા ચૂંટણી હારી જવા પર કોંગ્રેસ નેતૃત્વ વાળી સરકાર પણ પડી ભાંગશે? તો તેમણે જવાબ આપ્યો કે, આ શક્ય નથી. અમારા ધારાસભ્યો અમને નહીં છોડશે. એક પણ ધારાસભ્ય અમારી પાર્ટી નહીં છોડશે. અમારા નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.
કર્ણાટકના સીએમના આ તમામ આરોપો પર બીજેપીની પ્રક્રિયા પણ આવી છે. બીજેપી સાંસદ એસ પ્રકાશે કર્ણાટકના સીએમના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેઓ માત્ર સમાજના એક વર્ગની સહાનુભુતિ જીતવા માટે વારંવાર આવા આરોપો લગાવી રહ્યા છે.
એસ પ્રકાશે કહ્યું કે, મુખ્ય મુદ્દાઓ અને કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓ પર ધ્યાન આપવાના બદલે મુખ્ય મંત્રી બીજેપી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે અને ચૂંટણી બાદ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા પર ફોકસ કરી રહ્યા છે.










