
મોઝામ્બિકના ઉત્તરી દરિયા કિનારા પર લોકો ભરેલી બોટ ડૂબતા 90થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ દૂર્ઘટના ત્યારે ઘટી જ્યારે લગભગ 130 લોકોને લઇને માછલી પકડતી બોટ નામપુલા પ્રાંત પાસે એક ટાપુ સુધી જતી હતી. નામપુલાના રાજ્ય સચિવ જૈમે નેટોએ કહ્યું કે બોટ ક્ષમતા કરતા વધારે ભરેલી હતી અને મુસાફરોને લઇને જઇ રહી હતી, માટે આ ડૂબી ગઇ હતી. આ દૂર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. બચાવકર્મીઓને પાંચ લોકો જીવિત મળ્યા છે અને અન્યની તપાસ ચાલુ છે.
નેટોએ કહ્યું કે મોટાભાગના મુસાફરો હૈજા વિશે દુષ્પ્રચારને કારણે ફેલાયેલા ડરને કારણે ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.
નેટોએ કહ્યું કે એક તપાસ દળ બોટ દૂર્ઘટનાનું કારણ શોધવાનું કામ કરી રહી છે. અધિકારીએ જણાવ્યું કે જીવિત બચેલા પાંચ લોકોમાંથી બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોટ મોઝામ્બિક ટાપુ તરફ જતી હતી.










