
દક્ષિણ ફિનલેન્ડની એક માધ્યમિક શાળામાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કરતા અફરા-તફરી મચી ગઈ હતી. ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે જ્યારે બે વિદ્યાર્થી ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણી ફિનલેન્ડમાં એક માધ્યમિક શાળામાં મંગળવારે માત્ર 12 વર્ષના વિદ્યાર્થીએ અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ મામલાની માહિતી આપતાં પોલીસે કહ્યું કે, શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 9 વાગ્યે માહિતી મળી હતી કે રાજધાની હેલસિંકીની બહાર આવેલા વંતા શહેરમાં લગભગ 800 વિદ્યાર્થીઓ સાથેની એક માધ્યમિક શાળામાં ગોળીબાર થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલને ઘેરી લીધી હતી.
બીજી તરફ ફિનલેન્ડના વડાપ્રધાન પેટેરી ઓર્પોએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી છે. આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.










