
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અનુ.જાતિના કાર્યક્રમમાં ક્ષત્રિયો, રાજા મહારાજાઓ વિશે તથ્યવિહીન, ખોટી અને ઉતારી પાડતી ટિપ્પણી કરતા રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ગોંડલમાં આ મુદ્દે મંચ પરથી માફી માંગવા ગયા ત્યારે ત્યાં અનુ.જાતિ વિશે કરેલી ટિપ્પણીથી આ સમાજમાં રોષ અને નારાજગી પ્રસરી છે અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગણી સાથે વંથલી પોલીસમાં અરજી થઈ છે.
વંથલીના વાણવી અજયકુમાર નાનજીભાઈએ વંથલી પી.એસ.આઈ.ને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, રૂપાલાએ આ (અનુ.જાતિનો) કાર્યક્રમ કોઈ કામનો ન્હોતો, આમ જ ત્યાં પહોંચી ગયા હતા તેમ કહીને જે તેમની અનુ.જાતિના લોકો પ્રત્યેની માનસિકતા વ્યક્ત કરે છે. તેમણે આ પહેલા પણ આ સમાજ પ્રતિ અનુચિત ટિપ્પણી કરી છે.
ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાને લઈને ભાજપ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરીને તેઓ વિવાદમાં ફસાયા હતા. જેના બાદથી તેમની સામે વિરોધ વધતો જઇ રહ્યો છે અને હવે તેમની ઉમેદવારી પણ રદ કરવાની માગ કરવામાં આવી છે. આ વચ્ચે એવા પણ અહેવાલ છે કે, પરશોત્તમ રુપાલાને હવે ભાજપ રાજકોટની જગ્યાએ વડોદરાથી ચૂંટણી લડાવી શકે છે જેથી વિરોધને શાંત કરી શકાય.










