
નવી દિલ્હી,
કોંગ્રેસે કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયની ઉમેદવારી પાછી ખેંચવાની માગ કરી છે. BJPએ તેમને પશ્ચિમ બંગાળના તામલુક બેઠક પરથી ટિકીટ આપી છે. તેમણે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મહાત્મા ગાંધી પર એક ટિપ્પણી કરી હતી. ત્યારબાદથી તેમની ટિકા કરવામાં આવી રહી છે. પૂર્વ ન્યાયાધીશે ગાંધી-ગોડસે પર વિવાદિત ટિપ્પણી કરી હતી જેના પર હવે કોંગ્રેસ ભડકી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું કે, વડાપ્રધાનની કૃપાથી કલકત્તા હાઈકોર્ટના એક ન્યાયાધીશે લોકસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપી દીધું. એ દયનીય કરતાં પણ વધુ ખરાબ છે કે હવે તેમણે કહ્યું છે કે, તેઓ ગાંધી અને ગોડસે વચ્ચે કોઈ એકની પસદંગી ન કરી શકે. આ વાતને તદ્દન સ્વીકારવામાં ન આવે. એ લોકોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ જેમણે મહાત્માના વારસાને મહાત્માના વારસાને હડપવામાં કોઈ કસર બાકી ન રાખી.
કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે મારે કહાનીના બીજા પક્ષનો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. મારે તેમના લખાણો વાંચવા જોઈએ અને સમજવું જોઈએ કે તેમને ગાંધીની હત્યા કરવા માટે કઈ બાબતે પ્રેરિત કર્યા હતા. ત્યાં સુધી હું ગાંધી અને ગોડસેમાંથી કોઈ એકની પસદંગી ન કરી શકું.
તેમણે આગળ કહ્યું કે, ગોડસેએ એક પુસ્તક લખ્યું હતું જે બંગાળીમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ મને લાગે છે કે તે પ્રતિબંધિત છે અને હવે ઉપલબ્ધ નથી. ગાંધીની હત્યા કરવા માટે ગોડસેને કઈ બાબતે પ્રેરિત કર્યો તે સમજવા માટે મારે તે પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ગાંધીની હત્યા થઈ હતી અને ગોડસે હત્યારો હતો. બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી શક્ય નથી. તેમની તુલના કરવી વ્યર્થ છે. જ્યારે મને બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ ન્યાયાધીશના દૃષ્ટિકોણથી હું એ વિચારવા માટે મજબૂર થઈ ગયો કે ગોડસેએ ગાંધીની હત્યા શા માટે કરી? તેનો તર્ક શું હતો? કોઈની હત્યા કરવી એ નિઃશંકપણે ખોટું છે પરંતુ મેં સાંભળ્યું છે કે ગોડસેએ તેના આ પગલા માટે 75 થી 80 કારણો આપ્યા હતા.
30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી હતી. તેમણે નવી દિલ્હીના બિડલા હાઉસમાં એક પ્રાર્થના સભા દરમિયાન મહાત્મા ગાંધીને ત્રણ ગોળી મારી દીધી હતી.
ગંગોપાધ્યાય તાજેતરમાં જ રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. તામલુક બેઠક પર તેમનો મુકાબલો તૃણમૂલ કોંગ્રેસના નેતા દેબાંગશુ ભટ્ટાચાર્ય સાથે થશે.
દેશભરમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. 4 જૂને મતગણતરી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. તામલુક બેઠક પર છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ ચૂંટણી યોજાશે.










