અમેરિકાના ઐતિહાસિક બ્રિજ સાથે અથડાયું માલવાહક જહાજ, પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો બ્રિજ

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાંસિસ સ્કૉટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો છે. આ વિશાળ બ્રિજ તૂટીને પટપ્સકો નદીમાં પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બ્રિજ તૂટતા પહેલા તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા.
જ્યારે બ્રિજ તૂટી પડ્યો તો લગભગ સાત શ્રમિક અને ત્રણ નાગરિક વાહન તે સમયે બ્રિજ પર હાજર હતા. હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અધિકારીઓએ શહેરમાં બંને સાઈડનો રોડ બંધ થયો હોવાની માહિતી આપી દીધી છે. ઘટના સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજા અને જાનહાનિ અંગે ખાસ માહિતી હજુ સુધી મળી નથી.
સિંગાપુરના ધ્વજવાળું આ જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. તેનું નામ દાલી બતાવાઈ રહ્યું છે. દાલી જહાજની માલિકી હકવાળી કંપનીએ બતાવ્યું કે, જહાજ પર હાજર બંને કમાન્ડર સહિત ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. તેમને કોઈ ઈજા થઈ નથી. જહાજ અને પુલ વચ્ચે ટક્કરનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી.
બાલ્ટીમોરના મેયર બ્રાંડોન એમ સ્કોટે કહ્યું કે, ઈમરજન્સી ટીમ મોટા પ્રમાણમાં રાહત અને બચાવ કાર્યમાં જોડાઈછે. આ ઘટના રાત્રે દોઢ વાગ્યે બની હોવાનું જણાવાઈ રહ્યું છે. બ્રિજ સાથે અથડાનાર જહાજ બાલ્ટિમોરથી શ્રીલંકા જઈ રહ્યું હતું. બ્રિજ દુર્ઘટના સમયે પુલ પરથી જઈ રહેલી ગાડીઓ પણ નદીમાં ખાબકી હતી. પુલ સાથે અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી અને તે સળગીને ડૂબી ગયું હતું.
3 કિલોમીટર લાંબો હતો બ્રિજ
આ બ્રિજ બાલ્ટીમોરમાં પટપ્સકો નદીની ઉપર હતો. લગભગ 3 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 1972માં શરૂ થયું હતું અને 1977માં આ બ્રિજને અવરજવર માટે ખોલી દેવાયો હતો. આ બ્રિજ પરથી દર વર્ષે 1.1 કરોડ વાહન પસાર થતા હતા.