
અલંગ ટીપી સ્કીમને લઈને શરૂઆતથી જ 17 ગામના લોકોનો વિરોધ હતો પરંતુ સરકાર દ્વારા તેમની કોઈપણ વાત સાંભળવામાં આવી નહીં ત્યારે હવે આખરે ના છૂટકે આ 17 ગામના લોકો દ્વારા ઠરાવ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જે અંગે લેખિત ઠરાવ કરી અને સત્તા મંડળ તેમજ કલેક્ટર સહિતના સક્ષમ સત્તાધીશોને મોકલવામાં આવેલ છે.
વિશ્વવિખ્યાત એવા શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાતા અલંગ અને આજુબાજુના 17 ગામોમાં અલંગ વિકાસ સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી છે, તેમજ જુદી જુદી ત્રણ ટીપી સ્કીમ લાગુ કરાય છે. જેમાં 17 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 17 ગામોમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનો આવેલી છે. આ વિસ્તારમાં વર્ષોથી બાગાયતી ખેતી થઈ રહી છે અલંગ, કઠવા, મણાર અને સોસિયા ગ્રામ્ય વિસ્તારમાં દરિયા કિનારે શિપ બ્રેકિંગ ઉદ્યોગની સાથે લીલાછમ બગીચાઓ આવેલા છે. આ ઉપરાંત અહીંયા વિશ્વની પ્રખ્યાત એવી સોસીયાની કેરીના બગીચાઓ આવેલા છે. આ ઉપરાંત અહીંયા કેનાલની પણ વ્યવસ્થા હોવાના કારણે ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.
આવા સંજોગોમાં સરકાર દ્વારા અલંગ વિકાસ સત્તા મંડળ ની સ્થાપના કરી અને ટીપી સ્કીમો લાગુ કરવામાં આવી છે, જેમાં ટીપી સ્કીમ નંબર-1 ત્રાપજ, ટીપી સ્કીમ નંબર -2 કઠવા- મહાદેવપુરા, અને ટીપી સ્કીમ નંબર-3 અલંગ-મણાર અંતર્ગત 17 ગામોને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ટીપી સ્કીમ લાગુ પડતા ખેડૂતોની ફળદ્રુપ જમીન માંથી 40 ટકા જમીન સરકાર હસ્તગત થઈ જશે જેમાં સરકાર દ્વારા ટીપી સ્કીમ અંતર્ગત વિકાસ કરાશે. પરંતુ આ 17 ગામના લોકો દ્વારા ટીપી સ્કીમ લાગુ નહીં કરવા માટે અનેક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સંમેલનો કરવામાં આવ્યા, આમ છતાં પણ સરકાર દ્વારા સત્તા મંડળની સ્થાપના કરી અને ટીપી સ્કીમ લાગુ કરી દેવામાં આવી. જેને લઇને ખેડૂતોનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
આ ટીપી સ્કીમના વિરોધમાં તાજેતરમાં જ ખેડૂતનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં આ 17 ગામ ઉપરાંત પણ અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા 7000 કરતાં વધુ લોકો આ સંમેલનમાં જોડાયા હતા અને ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આમ છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોને કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી જેને લઈને હવે ખેડૂતો દ્વારા ના છૂટકે 17 ગામની ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આગામી લોકસભાની ચૂંટણી નો સંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવશે તેવી સરકારને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
ત્યારે હવે સત્તર ગામના લોકોના વિરોધના ભાગરૂપે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે અને જે અંગેની લેખિત જાણ વડાપ્રધાન મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર અગ્ર સચિવ જિલ્લા કલેકટર અને સત્તા મંડળ સહિતના તંત્રને કરવામાં આવી છે, ત્યારે હવે 17 ગામના લોકોના વંટોળની વચ્ચે આગામી સમયમાં સરકાર દ્વારા આ અંગે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.










