જૂનાગઢના આંગણે તા.૧લી માર્ચથી ત્રિ- દિવસીય મિલેટ એક્સપો
લોકો હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઈમીટેશનની અવનવી વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટસ સહિતની વસ્તુઓ નિહાળવાની સાથે ખરીદી કરી શકશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૧ માર્ચ-૨૦૨૪થી ત્રિ દિવસીય મિલેટ એક્સ્પો યોજાશે. જેમાં ૫૦ સ્ટોલ્સના માધ્યમથી મિલેટ વાનગીઓના નિદર્શનની સાથે જુદા-જુદા મિલેટ્સમાંથી બનેલી વસ્તુઓનો રેડી ટુ ઈટ એટલે કે, સ્વાદ પણ માણી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર ઉજવી રહ્યું છે. જેથી મીલેટ્સ દ્વારા આરોગ્યને થતા ફાયદાઓ લોકો સુધી પહોંચી શકે.
આ મીલેટ એક્સપોની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે બેઠક મળી હતી. જેમાં સંબંધીત અધિકારીઓને મિલેટ એક્સપો લોકભોગ્ય બને તે માટે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ એક્સપોના સુચારું આયોજન માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.
જૂનાગઢમાં ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનમાં આયોજિત થનાર એક્સપોમાં મિલેટ્સની ન્યુટ્રીશન વેલ્યુ એટલે આરોગ્યની દ્રષ્ટિએ થતા ફાયદાઓ લોકો જાણી શકશે. ઉપરાંત મિલેટ પાકોની જાતોનું નિદર્શન-વેચાણ અને તેની ખેતી પદ્ધતિ, કૃષિ સાહિત્ય વેચાણ અને મૂલ્યવર્ધન વિશેની જાણકારી પણ મળી રહેશે.
આ મિલેટ એકસપોમાં પ્રાકૃતિક ખેતી પેદાશોનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે ગ્રામ્ય કારીગરોએ માટીકામથી તૈયાર કરેલી વસ્તુઓ નિહાળી શકવાની સાથે ખરીદી પણ કરી શકાશે.
ઉપરાંત હાથ બનાવટની જુદી જુદી કલાત્મક ચીજ વસ્તુઓ, ઈમીટેશનની અવનવી વસ્તુઓ, આયુર્વેદિક પ્રોડક્ટસ વગેરેનું એક્સપોમાં નિદર્શન સાથે વેચાણ કરવામાં આવશે. આ એક્સપોમાં લોકોને ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓની પણ જાણકારી મળી રહેશે.