ઈ-બાઈકની બેટરથી લાગી આગ, 27 વર્ષીય ભારતીય પત્રકારનું મોત
અમેરિકાના ન્યુયોકમાં એક 6 માળની ઈમારતમાં ભીષણ આગ લાગતાં ભારતીય પત્રકાર ફાઝિલ ખાનનું મૃત્યુ

વિશ્વમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે શુક્રવારે ન્યૂયોર્ક શહેરમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો, જેમાં 27 વર્ષીય ભારતીય પત્રકારનું જીવતા જ સળગી જતા મોત થયું છે જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમેરિકાના ન્યુયોકમાં એક 6 માળની ઈમારતમાં ભીષણ આગ લાગતાં ભારતીય પત્રકાર ફાઝિલ ખાનનું મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા છે. 27 વર્ષીય ફાઝિલ ન્યુયોર્ક સ્થિત મીડિયા કંપની ધ હેચિંગર રિપોર્ટનો પત્રકાર હતો અને મેનહેટ્ટનમાં રહેતો હતો. મેનહેટ્ટનના સેન્ટ નિકોલસ પેલેસ પર 6 માળની રહેણાંક ઈમારતમાં લિથિયમ આયનની બેટરીને કારણે આગની ઘટના બની હતી અને થોડીક જ વારમાં આગની ઘટનાએ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની લપેટમાં આવતા ફાઝિલ ખાનનું મોત નીપજ્યું જ્યારે અન્ય 18 લોકો ઘવાયા હતા. ઉલ્લેખનીય છે કે લોકોએ આગથી બચવા માટે દોરડાનો સહારો લીધો હતો.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું હતું કે ‘ન્યૂયોર્કના હાર્લેમમાં આગની ઘટનામાં 27 વર્ષીય ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને અમને ખુબ જ દુઃખ થયું છે. અમે ખાનના પરિવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં છીએ. તેમજ ખાનના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.’ આ ઘટના પછી આખી બિલ્ડિંગને પૂરી રીતે ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ધ હેચિંગર રિપોર્ટ વેબસાઈટ અનુસાર, ફાઝીલ ખાન તેમની ઓફિસમાં ડેટા રિપોર્ટર તરીકે કામ કરતો હતો. તેમનું કાર્ય શિક્ષણ ડેટા એકત્રિત કરવાનું, તેનું વિશ્લેષણ કરવાનું અને અસમાનતાને ઉજાગર કરવા અને શિક્ષણમાં નવીનતાની તપાસ કરવા માટે અન્ય પત્રકારો સાથે સહયોગ કરવાનું હતું. ફાઝિલ 2021માં કોલંબિયા જર્નાલિઝમ સ્કૂલમાંથી ડેટા જર્નાલિઝમની ડિગ્રી સાથે સ્નાતક થયો હતો. તેમને સ્કૂલમાં ગ્લોબલ માઈગ્રેશન પ્રોજેક્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ફેલો તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. અમેરિકા જતા પહેલા ફાઝિલે ભારતમાં ઘણી મીડિયા સંસ્થાઓ સાથે પણ કામ કર્યું હતું. આ પછી તે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે 2020માં ન્યૂયોર્ક ગયો હતો.










