ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે ૩ ફ્રિસકિંગ પોઈન્ટ
ગિરનાર આવતા શ્રદ્ધાળુ- યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈપણ ચીજ વસ્તુઓ સાથે ન લાવવા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનો અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે આયોજનબદ્ધ રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર જવાના પ્રવેશ માર્ગે જ વન વિભાગ દ્વારા ફ્રિસકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, ત્યાં ગિરનાર અને દાતાર પર જતા પ્રવાસી-શ્રદ્ધાળુઓનું ચેકીંગ હાથ ધરીને તેમની સાથે રહેલ પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈ ચીજ વસ્તુઓ મેળવીને ગિરનાર પર પ્લાસ્ટિકની સામગ્રીઓ જતી અટકાવવામાં આવે છે.
ગિરનાર પર્વત પર જતા યાત્રાળુઓ માટે નવી સીડીના એન્ટ્રી પોઈન્ટ પર જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ફરજ પરના સ્ટાફ દ્વારા પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશો, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ વગેરે યાત્રાળુઓ પાસેથી મેળવી લેવામાં આવે છે. પીવાના પાણી માટે ગીરનાર સીડીઓ પર પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, ઉપરાંત દુકાનદારોને તંત્ર દ્વારા સીએસઆર અંતર્ગત પાણીના કેરબા પણ આપવામાં આવ્યા છે, દુકાનદારો સાથે બેઠકો યોજી, પ્લાસ્ટિક મુક્ત વેચાણ પદ્ધતિ અપનાવવા માટે સમજુત કરવામાં આવ્યા છે, પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી માટે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ પણ ગિરનાર આવતા શ્રદ્ધાળુ યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈપણ ચીજ વસ્તુઓ સાથે ન લાવવા માટે અનુરોધ કર્યો છે, તેમજ પ્લાસ્ટિકના વપરાશથી ગિરનાર, વન્યપ્રાણી અને પર્યાવરણ હાનિ ન પહોંચે તે માટે સહયોગ આપવા પણ અપીલ કરી છે.
ઉપરાંત પ્રવાસી-શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી માટે ટેટ્રાપેક ઉપલબ્ધ રાખવાનુ આયોજન હેઠળ છે.