MORBI:મોરબી પાલિકા વેરા વસુલાત માટે આકરા પાણીએ! આસામીઓને આખરી નોટીસ-જપ્તી પૂર્વેની નોટીસની બજવણી!

મોરબી પાલિકા વેરા વસુલાત માટે આકરા પાણીએ! આસામીઓને આખરી નોટીસ-જપ્તી પૂર્વેની નોટીસની બજવણી!
૩૧.૮૦ કરોડના કુલ માંગણા સામે માત્ર ૮.૫૦ કરોડની વેરા વસુલાત થઇ! આખરી નોટીસ, જપ્તી પૂર્વેની નોટીસ આપી, સીલ મારવાની કાર્યવાહી કરાશે!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી નગરપાલીકા ની તીજોરી તળિયા જાટક થઈ ગઈ હોય તેમ હવે નગરપાલિકા તંત્ર વેરા વસુલાત માટે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આજે ડેપ્યુટી કલેકટર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો આપવામાં આવી હતી જેમાં ૪૦૦૦ થી વધુ આસામીઓને આખરી નોટીસ અને ૧૨૦૦ થી વધુ આસામીઓને જપ્તી પૂર્વેની નોટીસ બજવણી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકામાં આશરે ૭૫ હજારથી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલકતો આવેલ છે. જેમાં પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬૦,૦૦૦ થી વધુ વેરાના માંગણા બીલો આસામીઓને આપવામાં આવ્યા છે. મોટી રકમ બાકી છે તેવા ૪૦૦૦ આસામીઓને આખરી નોટિસ તેમજ ૧૨૦૦ થી વધુ આસામીઓને જપ્તી પૂર્વેની નોટીસોની બજવણી કરી આપવામાં આવી છે. તેમજ વેરો ભરવામાં નહિ આવે તો મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં સરકાર દ્વારા કરવામાં આવનાર મહાનગરપાલિકા અંગેનો નિર્ણય પહેલા લોકોને મોરબી પાલિકાના બાકી તમામ વેરાઓ ભરી જવા અપીલ કરવામાં આવી છે અને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૪ બાદ વધારાનું ૧૮ ટકા વ્યાજ ના ભરવું પડે માટે તાત્કાલિક વેરા ભરી જવા જણાવ્યું છે.મોરબી પાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે જે સરકારની ગ્રાન્ટમાંથી કામો થાય છે. તે ઉપરાંત શહેરની યોગ્ય સફાઈ, ભૂગર્ભ ગટર સફાઈ કાર્ય, સ્ટ્રીટ લાઈટ જેવા કામો પાલિકાને સ્વભંડોળમાંથી કરવાના હોય છે. જે ખર્ચને પહોંચી શકીએ તે માટે નાગરિકો સમયસર વેરા ભરી આપે તેવી અપીલ મોરબી નગરપાલીકા દ્વારા કરવામાં આવી છે. ડેપ્યુટી કલેકટરે સફાઈ અભિયાન અંગે જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી થી ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે એજન્સી ફાઈનલાઈઝ કરી કામ શરુ કર્યું છે જેમાં ૨૮ વાન દ્વારા રૂટ નક્કી કરી નિયમિત ઘર-ઘરથી ગાર્બેજ કલેક્શન કરાય છે તેમજ જાહેર ઉકરડાઓ મામલે ૧૫ દિવસ ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવનાર છે. તો સફાઈ કામદારોને એકત્ર કરેલ કચરો પાલિકાની વાનમાં જ નાખવા જરૂરી સુચના આપી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.