
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ આજે 8 નવેમ્બર, 2016ના રોજ થયેલી નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ 7 ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ઘડવાની પણ માંગ કરી છે જેથી આવા નિર્ણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઈ શકે. આ અગાઉ બેન્ચે કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોટબંધી દરમિયાન દેશમાં અશાંતિનો માહોલ હતો
પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ અચાનક રાત્રે 8 વાગ્યે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યા હતા. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.