
અપરાધિક મામલાની તપાસમાં નેતાઓના વિવાદિત નિવેદનો પર લગામ લગાવવા બાબતે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. પાંચ જજોની બેન્ચે ફેસલો સંભળાવતા કહ્યું કે ખોટા નિવેદનો માટે નેતા અથવા મંત્રી પોતે જવાબદાર હશે. એના માટે કોઈ સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર ગણી શકાય નહીં.
જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમે કહ્યું હતું કે આ રીતે કોઈને પણ નિવેદન આપતા રોકી શકાય નહીં પરંતુ જો કોઈના નિવેદનથી અધિકારોનું ઉલ્લંઘન થાય તો કાર્યવાહી થઈ શકે છે. ત્યારે જસ્ટિસ નાગરત્નાએ બંધારણના અનુચ્છેદ 51A પર ભાર મૂકતા કહ્યું હતું કે નેતોઓએ પોતાની ફરજો માટે જાગૃત રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમણે વિચારવું જોઈએ કે તેઓ નાગરિકો માટે કેવો દાખલો બેસાડી રહ્યા છે.
વધારાના નિયંત્રણો લાદી શકાય નહીં
ચૂકાદો સંભળાવતા જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિના બોલવા પર તે જ નિયંત્રણો લાગૂ થશે જે બંધારણમાં નોંધાયેલા છે. તે સિવાયના વધારાના નિયંત્રણો લાદી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ના પણ આ વાત સાથે સહમત હતા છતા તેમણે પોતાનો અલગ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે કોઈપણ મંત્રી નિવેદન આપી શકે છે. તેમણે કહ્યું હતું કે જો મંત્રી અને નેતાના નિવેદન સરકારના સ્ટેન્ડ પર હોય તો તેના માટે સરકાર જવાબદાર છે પરંતુ જો કોઈ છીછરી વાત કહેવામાં આવે તો તેને માત્ર અંગત ટિપ્પણી ગણવી જોઈએ.
વધારાના નિયંત્રણો લાદવાના હોય તો તે કાર્ય સંસદનું છે
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જો કોઈ વધારાના નિયંત્રણો લાદવાના હોય તો તે કાર્ય સંસદનું છે. રાજકીય દળોએ પોતાના નેતાઓ પર પ્રતિબંધ મૂકવા અથવા મર્યાદા નક્કી કરવા માટે નિયમો બનાવવા જોઈએ. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે જો કોઈને લાગે છે કે કોઈ નેતા કે મંત્રીના નિવેદનથી તેને દુઃખ થયું છે તો તે નાગરિક ઉપાય માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.