
બ્રાઝિલમાં હાલમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકશાહીના સમર્થનમાં અહીં રેલીઓ નીકળી રહી છે. આ રેલીઓ યોજીને પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો અને તેમના સમર્થકો સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. રવિવારે બોલ્સોનારોના સમર્થકો અહીંની સંસદ, રાષ્ટ્રપતિ ભવન સહિતની સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ આ ઘટનાની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ હતી. બોલ્સોનારોનો આરોપ છે કે રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા છેતરપિંડીથી ચૂંટણી જીત્યા હતા. દેશમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીએ બ્રાઝિલને વિભાજિત કરી દીધું હતું.
લગભગ 1500 લોકોની ધરપકડ કરવામાં આવી
મીડિયા અહેવાલ મુજબ, રાજધાની બ્રાઝિલિયામાં રવિવારના રમખાણોના સંબંધમાં 1,500 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશના સૌથી મોટા શહેર સાઓ પાઓલોમાં હજારો લોકોએ બોલ્સોનારોને જેલમાં ધકેલી દેવાની માગ સાથે રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, લુલા ડી સિલ્વાના શપથ લીધા બાદ બોલ્સોનારોના સમર્થકો ખૂબ ગુસ્સે થયા હતા અને પછી તેઓ દેશની સંસદમાં ઘૂસી ગયા હતા. 77 વર્ષીય રાષ્ટ્રપતિએ સંસદની મુલાકાત લીધી અને ક્ષતિગ્રસ્ત ઈમારતનું નિરીક્ષણ કર્યું.
બોલ્સોનારો અમેરિકા પહોંચ્યા હતા
તોફાનીઓએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને સુપ્રીમ કોર્ટની ઇમારતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર પછી આ ઘટનાની વૈશ્વિક સ્તતે ખૂબ જ નિંદા થઈ હતી. 67 વર્ષીય બોલ્સોનારો પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. 1 જાન્યુઆરીના રોજ સત્તા હસ્તાંતરણ પહેલા જ તેઓ અમેરિકા જવા રવાના થયા હતા. અહીં તેમને પેટમાં દુ:ખાવાની ફરિયાદને કારણે ફ્લોરિડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રેલ યોજી પૂર્વ રાષ્ટ્રપતિને જેલ મોલકવાની માગ
રેલીમાં ભાગ લેનારા ઘણા લોકોએ લાલ કપડા પહેર્યા હતા. લાલ એ લુલાની વર્કર્સ પાર્ટીનો રંગ છે. કેટલાક લોકોએ બેનર સાથે તોફાનીઓને કડક રજા કરવાની માગ કરી હતી. સાથે જ ‘બોલસોનારોને જેલમાં નાખો’ના નારા પણ લગાવ્યા હતા. બ્રાઝિલિયામાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
4 હજાર બોલ્સોનારો સમર્થક બ્રિઝિલિયા પહોંચ્યા હતા
અહેવાલ મુજબ, શનિવાર અને રવિવારે લગભગ 4 હજાર બોલ્સોનારો સમર્થક બસોમાં બ્રાઝિલિયા પહોંચ્યા હતા. અહીં કેટલાક તોફાનીઓએ સંસદ ભવનમાં ઘૂસીને તોડફોડ કરી હતી. જ્યારે બાકીના તોફાનીઓ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને અહીં ફર્નિચર તોડવાનું શરૂ કર્યું. કેટલાક વિરોધીઓ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ પહોંચ્યા અને કાચનો દરવાજો તોડી નાખ્યો. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનન અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ પણ કરવો પડ્યો હતો.