સાબકાંઠાના કાનડા સ્કૂલની દીકરી સરસ્વતી બા ઝાલા પેરા ઓલમ્પિક માં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા નંબરે આવી


કાનડા સ્કૂલની દીકરી સરસ્વતી બા ઝાલા પેરા ઓલમ્પિક માં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા નંબરે આવી
ખેડૂત પુત્રી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાનડા સરકારી માધ્યમિક શાળાની ધોરણ ૯માં અભ્યાસ કરતી દીકરી સરસ્વતીબા દશરથસિંહ ઝાલા નેશનલ પેરા ઓલિમ્પિક્સમાં ઝળકી હતી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તા. ૨૭ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા ક્રમાંકે આવી રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સરસ્વતીબેન વિશેષ શિક્ષિકા દક્ષાબેન નાયક જણાવે છે કે, સરસ્વતી બા સેરેબ્રલ પાલ્સી ( શરીરનો એક ભાગ લકવાગ્રસ્ત) બીમારીથી પીડિત છે. તેના પિતા સાધારણ ખેડૂત છે. તા. ૨૭ જાન્યુઆરી થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલ જુનિયર/સબ જુનિયર પેરા નેશનલ ઓલિમ્પિકમાં ૨૩ રાજ્યોના ૩૨૫ થી વધુ દિવ્યાંગ એથ્લેટ્સ ભાગ લીધો હતો. જેમાં ૧૨ જેટલી રમતો હતી. જુનિયર/ સબ જુનિયર સ્પર્ધામાં અંડર ૧૭માં ૧૦૦ મીટર દોડમાં સરસ્વતીબા ઝાલા દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએ પ્રથમ આવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતને તામ્રપદક અપાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના દિવ્યાંગ બાળકોની વિશેષ વિકાસ માટે અંધજન મંડળ ઇડર દ્રારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ૩૯ શિક્ષકોની નિમણૂંક કરાઇ છે.
સરસ્વતીબાના પિતા જણાવે છે કે, સરસ્વતી તેમની ચોથા નંબરની પુત્રી છે. ગામમાં પોતાની થોડી જમીન પર ખેતી કરીને પોતાના છ બાળકોને શિક્ષણ આપવા અવિરત મહેનત કરી રહ્યા છે. દિકરી દિવ્યાંગ હોવાથી પહેલા તેમને ખૂબ ચિંતા હતી પરંતુ આજે દીકરી એ મેળવેલ સિદ્ધિ બાદ તેમને દીકરી ના દિવ્યાંગ હોવા બાબતે ચિંતા નથી રહી તેની દિકરી ભવિષ્યમાં આમ જ આગળ વધે અને આજે રાજ્ય માટે પદક મેળવ્યો છે તેમ દેશ માટે મેડલ મેળવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
શાળાના આચાર્ય શ્રી મનુભાઇ દેસાઇ જણાવે છે કે, સરસ્વતી બા મક્કમ મનોબળ છે. ૨૩ રાજ્યોના વિદ્યાર્થીઓમાં પોતાના રાજ્ય માટે નંબર મેળવવા સખત પરિશ્રમ કર્યો હતો જે ખરેખર સરાહનીય બાબત છે તેમણે ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે શાળા પરિવાર અને શિક્ષકોને ગૌરવાન્વિત કર્યા છે. શાળા પરિવાર દ્વારા દીકરી નું સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા




