રાષ્ટ્રીય કક્ષાએ કરાટે સ્પર્ધામાં વલસાડના ખેલાડીઓની મોટી સફળતા: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી
મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર નાશિક ખાતે ટી.એસ. સોટોકાન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્પિયનશિપનું તા. ૭ અને ૮મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓએ મોટી સફળતા મેળવતા ટ્રિપલ મેડલની સિદ્ધિ હાંસલ કરી હતી. જિલ્લાના (૧)વિરેન્દ્ર પટેલે ગોલ્ડ મેડલ, (૨)કિરણ માળીએ – સિલ્વર મેડલ, અને (૩)નીતા પટેલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
જિલ્લાના ત્રણેય ખેલાડીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી પરિવાર, ગામ, તાલુકા અને જિલ્લાનું સમગ્ર દેશમં ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓના પરિવાર સહિત અનેક લોકોએ વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે એમને તાલીમ આપનારા શિક્ષકો જતિનકુમાર છનાભાઇ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્ય પ્રશિક્ષક અને ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ અનિલ જે. માંગેલાનો આભાર વ્યક્ત કર્યો હતો.