
વ્હાલી દીકરી યોજનાના લાભથી કપરાડા તાલુકાની દીકરીઓ વંચિત ન રહે તે માટે અનુરોધ કરાયો
વ્યસન કરી ઘરમાં મારપીટ કરનાર વિરૂધ્ધ આજુ–બાજુના લોકોએ આગળ આવી મદદ માટે ૧૮૧ પર કોલ કરો
સૌને “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
—-
માહિતી બ્યુરોઃ વલસાડ, તા.૧૮ જૂન
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે સબરી હોસ્ટેલની બાજુમાં આવેલા બાયફ કેમ્પસમાં મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી દ્વારા ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન BISLD (BAIF) સંસ્થાના પ્રોજેક્ટ ઑફિસર રાહુલભાઈ મોરેએ કર્યું હતું. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેએ ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત વિગતવાર માહિતી આપી વિવિધ પ્રકારની હિંસા થઈ શકે એના વિશે સમજ આપી હતી. વલસાડ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર જ્યોતિબેન ગામિતે “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરીનો પરિચય આપ્યો હતો. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર દિવીશાબેન પટેલ દ્વારા સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી હતી.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઈ દ્વારા કપરાડા તાલુકામાં જાગૃત્તિકરણ ખૂબ જ જરૂરી છે એવું જણાવી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના વિશે ગ્રામજનો સાથે ચર્ચા કરી વ્હાલી દીકરી યોજનાના લાભથી કપરાડા તાલુકાની દીકરીઓ શા માટે વંચિત રહે છે તે જણાવી તેના નિરાકરણ માટે કયા પગલાં લેવા જરૂરી છે એ સમજાવવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા તાલુકાની દરેક દીકરીને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે એ માટે પ્રયત્નો કરવામાં આવશે એવું જણાવી વધુમાં કહ્યું કે, જે લોકો વ્યસન કરીને પોતાના ઘરમાં મારપીટ કરે છે એવા લોકો વિરૂધ્ધ આજુ-બાજુના લોકોએ આગળ આવી પીડિતની મદદ માટે ૧૮૧ પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે. સૌને “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેસેન્જર બેગ અને યોજનાકીય પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. DHEWના કર્મચારી અંકિતાબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના ભાઈઓ, મહિલાઓ અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ સહિત કુલ ૧૨૬ લોકો હાજર રહ્યા હતા.