વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં વલસાડના ૬૫ વર્ષીય રમેશભાઈએ તૃતીય સ્થાન મેળવ્યું

૧૦.૫ કીમી અંતર ૫૫.૧૨ મિનિટમાં પુરૂ કરી દક્ષિણ આફ્રિકા કેન્યાના ખેલાડીઓમાં પોતાનું સ્થાન જાળવ્યું
===
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી
વડોદરા ખાતે તા.૦૮મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ આંતરરષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડ જિલ્લાના રોલા ગામના વતની રમેશભાઈ પટેલે ૬૫+ કેટેગરીમાં ૧૦.૫ કીમી દોડમાં ભાગ લઈ આ અંતર ૫૫.૧૨ મિનિટના સમયમાં પુરૂ કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનો દબદબો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાળવી રાખ્યો છે. આ મેરેથોનમાં દક્ષિણ આફ્રિકા, કેન્યા, વગેરે દેશના ખેલાડીઓ તથા રાષ્ટ્રીય મેરેથોન ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. તેમની સામે પણ ૬૫ વર્ષીય રમેશભાઈએ પોતાનું સ્થાન જાળવવામાં સફળતા મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈએ રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા યોજાયેલી ૧૦ કીમી મેરેથોનમાં પણ રમેશભાઇએ ભાગ લઈ ૫૮.૫૩ મિનિટમાં પૂરી કરી સિનીયર સિટીઝન્સમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. નાશિક ખાતે રાષ્ટ્રીય ખેલ મહાકુંભમાં તેમણે ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૮૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવી ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તેઓએ અત્યાર સુધી ૪૨.૧૯૫ કીમીની ફુલ મેરેથોન, ૨૧ કીમીની હાફ મેરેથોન, ૧૨ કીમી, ૮ કીમી અને ૬ કીમીની મેરેથોનમાં ભાગ લઈ સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેઓ ૧૦૦ મીટર થી ૪૨.૧૯૫ કીમી દોડના બધા જ પ્રમાણપત્રો ધરાવે છે. હાલમાં પણ તેઓ સક્રિય રહી રમતક્ષેત્રે ખેલાડીઓને તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાને નામના અપાવી રહ્યા છે.