JETPURRAJKOT

Rajkot: NEET ની એક્ઝામમાં ગેરરીતી જોવા મળતા ‘આપ’ વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

તા.૧૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવે, NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવામાં આવે: આપ CYSS

જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં NEETનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી: આપ CYSS

બિહાર પોલીસની FIRમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની એક હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું: આપ CYSS

પૈસાના આધારે ગોધરાનું આખું સેન્ટર વેચાઈ ગયું, કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવા આવે?: આપ CYSS

NEETનું પેપર લીક કરનાર દોષીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, યુવાઓને ન્યાય આપવામાં આવે: આપ CYSS

 

Rajkot: NEET ની પરીક્ષામાં દેશવ્યાપી મોટું કૌભાંડ અચરવામાં આવ્યું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી ગયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) દ્વારા, CYSS ગુજરાત ઉપપ્રમુખ સુરજ બગડા, CYSS રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવીની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે વિરોધ કરી માંગ કરવામા આવી કે, સરકારી કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતાં પણ આ વખતે તો NEET-UG જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે જે અતિગંભીર બાબત છે.

આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે જે અલગ અલગ સમાચારપત્રો, ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષણવિદોએ ઉઠાવ્યા છે. પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ, OMR જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ, વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણીજોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે.જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં NEET નું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને FIRમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની હોસ્ટેલ એક હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું. આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું ? એક સાથે 67 વિધાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ કેવી રીતે મળી શકે ? આ 67 માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક જ સેંટરના છે. આ પરીક્ષામાં સાચા જવાબ બદલ 4 ગુણ મળે છે અને ખોટા જવાબ બદલ 1 ગુણ કાપી લેવામાં આવે છે તો કોઈ વિદ્યાર્થીને 718 કે 719 ગુણ કેવી રીતે મળી શકે ?

ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું. NEETનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું. આ સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા. હવે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવા આવે ? જો ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે, તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે. આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ ઉપર ઉભા થઇ રહ્યા છે.આ ઉપરાંત, NTA દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે એમાં પણ દર વર્ષે કઈ ને કઈ ગેરરીતિઓ સામે આવે જ છે. ટેકનીકલ એરર, છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેંટર બદલી નાખવું, પરીક્ષા અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું, વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી.

આથી, સમગ્ર દેશના વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી અમારી માંગણી છે કે…

1. NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવે.

2. NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી આપવામાં આવે.

3. આ ઘટનાના દોષીઓ ઉપર કડકમાં કડક પગલાં તાત્કાલિક લેવામાં આવે.

4. ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને એ માટેનું આગોતરું આયોજન અને નીતિઓ બનાવવામાં આવે.

[wptube id="1252022"]
Back to top button