
તા.૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રંગીલા રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠયું – દેશવિદેશના પતંગબાજોએ રાજકોટવાસીઓના દિલ જીત્યા
પતંગ ઉડાડવાની મજા લેતા મેયર, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો
મકરસંક્રાંતિના પર્વ પર ‘‘રાષ્ટ્રીય યુવા દિવસ’’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩નો ધર્મેન્દ્ર કોલેજના મેદાનમાં રાસગરબાના તાલે ભવ્ય પ્રારંભ થયો હતો. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત ભારતભરના અને સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા પતંગ રસિયાઓએ પતંગોત્સવમાં ભાગ લઈને અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.
પતંગોત્સવને ખુલ્લો મુકતા મેયરશ્રી પ્રદિપભાઈ ડવએ જણાવ્યું હતું કે, દુનિયાના ૧૬થી વધુ દેશોના, ભારતના ૭ રાજ્યોના અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આવેલા ૧૬૦થી વધુ પતંગશોખીનોએ પતંગોત્સવમાં ભાગ લઈને રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે. વિવિધતામાં એકતા સમાન આ પર્વમાં સૌ સાથે મળીને નવી આશાઓનો અને ઉમંગનો પતંગ આકાશમાં ઉપર ચગાવીએ તેવી વિભાવના મેયરશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. અને શહેરીજનોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે પતંગ મહોત્સવ થકી આજે ગરબાના તાલે વિદેશીઓ ગરબે ઘૂમીને આપણી સંસ્કૃતિને માણી રહ્યા છે. આ પ્રકારના મહોત્સવથી વિદેશીઓ આપણી સંસ્કૃતિને માણે-જાણે અને ભારત દેશની લોકસંસ્કૃતિ સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરાવે, તે જ આ પતંગ મહોત્સવની સાચી ઉજવણી છે, એવી લાગણી શ્રી રામભાઇએ વ્યક્ત કરી હતી.
પતંગ એ શાંતિનું પ્રતીક છે. જી-૨૦ની ‘વસુધૈવ કુટુંબકમ’ થીમ પર આધારિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઈન્ડોનેશિયા, ઇઝરાયેલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના ૧૬ દેશો તેમજ ભારતના ૭ રાજ્યોના પતંગવીરોએ ભાગ લઈને ‘‘વસુધૈવ કુટુંબકમ’’ સૂત્રને સાર્થક કર્યું હતું. આ પતંગ મહોત્સવમાં આવેલા દેશ વિદેશના પતંગ ઉત્સાહીઓનું કુમકુમ તિલક અને ઢોલના નાદ સાથે સ્વાગત કરાયું હતું
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલે સ્વાગત ઉદબોધન કર્યું હતું. પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલા જી-૨૦ની થીમ પર આધારિત ૨૫૦ પતંગોની લહેર, સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રીંગ કાઈટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્મક પતંગો, મેક્સિકોથી આવેલ પતંગબાજની ૨૫ મીટર લાંબી અને ૧૮ મીટર લાંબી ડ્રેગન કાઇટ તો હૈદરાબાદથી આવેલ ૧૯ વર્ષીય આકાશની ૧૫ કિલો વજનની રેઈનબો સ્પિનર સહીત ૨૫૦ પતંગની લેર સહિતની પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ તકે ધારાસભ્ય સર્વેશ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા,રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશ્નરશ્રી આશિષ કુમાર, રાજકોટના અગ્રણીશ્રીઓ કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, વિનુભાઈ ધવા સહીતના મહાનુભાવો અને પતંગપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.