નવસારી જિલ્લા પોલીસ દ્વારા ચાઇનીઝ તુક્કલ તથા પ્લાસ્ટિકની દોરી વેચાણ કરતાં ૧૭ વ્યકિતઓની અટકાયત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લામાં આગામી મકરસંક્રાંતિ તહેવારને લઇને ચાઇનીઝ દોરી વેચનાર ઉપર નવસારી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નવસારી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સીધી દોરવણી હેઠળ મકરસંક્રાંતિ તહેવાર અન્વયે સ્કાય લેન્ટર્ન(તુકકલ) અને ચાઇનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા વેપારીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ બદલ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લામાં ૧૭ જેટલા વેપારીઓને ચાઇનીઝ દોરી વેચતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે અન્વયે એસ.ઓ.જી.શાખા દ્વારા-૦૪ કેસ, ચીખલી પોલીસ સ્ટેશન-૦૩ કેસ, વાંસદા પોલીસ સ્ટેશન -૦૩ કેસ, ગણદેવી પોલીસ સ્ટેશન-૦૨ કેસ, બીલીમોરા પોલીસ સ્ટેશન ૦૨ કેસ, ખેરગામ પોલીસ સ્ટેશન ૦૧ કેસ, જલાલપોર પોલીસ સ્ટેશન-૦૧ કેસ અને વિજલપોર પોલીસ સ્ટેશન-૦૧ કેસ મળી કુલ-૧૭ કેસો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત તા.૧ થી ૯મી જાન્યુઆરી દરમિયાન નવસારી જિલ્લામાં ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુકકલ) ના ૧૨૪ કેસો નોંધવામાં આવ્યાં છે.