NANDODNARMADA

રાજ્યની એકમાત્ર અને રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજની વર્ષ ૨૦૨૧ થી ૨૩ ની બેચનો ૧૮ મો પદવિદાન સમારોહ યોજાયો

રાજ્યની એકમાત્ર અને રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજની વર્ષ ૨૦૨૧ થી ૨૩ ની બેચનો ૧૮ મો પદવિદાન સમારોહ યોજાયો

ત્રણ રાજ્યોના ૧૬ મહિલા સહિત કુલ ૪૪ તાલીમી રેન્જર્સની ૧૮ મહિનાની તાલીમ પૂર્ણ થતા પાસીંગ પરેડ સાથે ડિગ્રી એનાયત કરાઇ

રાજપીપલા : જુનેદ ખત્રી

દેશની વન સંપદાઓના સંરક્ષણ માટે કટીબંધ વન વિભાગના અધિકારીઓને તૈયાર કરતી સમગ્ર દેશની ૮ કોલેજો પૈકીની ગુજરાતની એક માત્ર રાજપીપલા સ્થિત ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો ૧૮ મો પદવીદાન સમારોહ અને પાસીંગ પરેડ ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સના એસ.કે.ચદુર્વેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દેશના ત્રણ રાજ્યોના ૧૬ મહિલા સહિત કુલ-૪૪ ફોરેસ્ટ ઓફિસર્સ વર્ષ ૨૦૨૧-૨૩ ની બેચના ૧૮ મહિનાની તાલીમ પૂર્ણ થતા તેઓને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે પદવી આપવામાં આવી હતી.

આ પદવીદાન સમારોહના અધ્યક્ષ એસ. કે. ચતુર્વેદીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજપીપલા ખાતેની કોલેજમાં તાલીમ લઇ રહેલા તમામ તાલીમી રેન્જર્સની ૧૮ મહિનાની તાલીમ પૂર્ણ થવાના આ અવસરે હું ગૌરવની લાગણી અનુભવું છું. તેમ જણાવી ભાવી કારકીર્દી માટે યોગ્ય માર્ગદર્શન આપતા કહ્યું કે, આજે આ તાલીમી રેન્જર્સ જે સર્વીસમાં જોડાઇ રહ્યાં છે તેઓ સમગ્ર જીવ સૃષ્ટીની ચીંતા કરી સમગ્ર માનવ જાતિ માટે જીવન જીવવા સમર્પીત થઇ રહ્યાં છે ત્યારે પોતાને સોંપાયેલી જવાબદારી અને તેમની દેખરેખ હેઠળના વન વિસ્તારમાં જીવ સૃષ્ટીને સાથે રાખીને પરીવર્તન કેવી રીતે લાવી શકાય તે દિશામાં કામગીરી કરી સફળતાના શિખરો સર કરવામાં કોઇ મુશ્કેલી રોકી શકશે નહી. જ્યા પણ પોસ્ટીંગ થાય તે જગ્યાને પોતાનું ઘર બનાવી વન વિસ્તારના વિકાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહારાષ્ટ્રના અધિક મુખ્ય વન સંરક્ષક શોમિતા બિસ્વાસ અને ગુજરાતના અધિક મુખ્ય વન સંરક્ષક (સંશોધન અને તાલીમ) ડૉ. એ.પી. સિંહે પણ પ્રાસંગિક ઉદબોધન કરી તાલીમ પૂર્ણ કરી પોતાની ફરજ પર જઇ રહેલા તાલીમી રેન્જર્સને ગ્રીન વોરિયર્સની માફક કામ કરી ટકાઉ વિકાસ, જંગલના વિકાસ અને ટકાઉ જંગલ માટેની કામગીરી કરી પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારી પણ સુપેર નિભાવવા જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

રાજપીપલાની આ રેન્જર્સ કોલેજમાં તા.૮ મી જુલાઇ,૨૦૨૧ થી શરૂ થયેલી બેચમાં મહારાષ્ટ્રના ૩૯, હિમાચલ પ્રદેશના-૦૪ અને તમિલનાડુના-૦૧ મળી કુલ-૪૪ રેન્જર્સ તાલીમાર્થીઓને જુદા-જુદા ૧૯ જેટલાં વિષયોની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સિલ્વીકલ્ચર, વન પ્રબંધન, યુટીલાઇઝેશન, વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ, બોટની, વનસ્પતિ વિજ્ઞાન, સિવિલ એન્જીનીયરીંગ અને સર્વે જેવા મુખ્ય વિષયોનો સમાવેશ થાય છે. આધુનિકતાને ધ્યાને રાખીને કોમ્પ્યુટર સાયન્સ, રિમોર્ટ સેન્સીંગ અને ફોટોગ્રાફી જેવા વિષયો પર પણ ક્લાસ રૂમ અને પ્રવાસ થકી શિક્ષણ પુરુ પાડવામાં આવ્યું હતું. સાથોસાથ તદઉપરાંત દેશના વિવિધ રાજયોના જુદા-જુદા જંગલ અભ્યારણ, નેશનલ પાર્ક અને વિવિધ વનની સંસ્થાઓની મુલાકાત સહિત વનને લગતી જુદી-જુદી ટ્રેનીંગ લોગીંગ એકસસાઈઝ, વર્કીંગ પ્લાન એક્સસાઈઝ, સોશીયલ ઈકોનોમીકસ સર્વે વિગેરેનો પણ સમાવેશ થાય છે. આ તાલીમની સાથે-સાથે શરીર સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને, પીટી, પરેડ, સાઈકલીંગ, સ્વિમિંગ, જીમનાસ્ટીક, યોગાભ્યાસ વિગેરે પણ આવરી લેવામાં આવે છે.

પદવીદાન સમારોહના પ્રારંભમાં તમામ ૪૪ તાલીમાર્થીઓની પાસીંગ પરેડ યોજાઇ હતી. જેની મુખ્ય મહેમાન સહિત અન્ય ઉપસ્થિત અધિકારીઓએ સલામી ઝીલી હતી. ત્યારબાદ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ તાલીમાર્થીઓને તેમની પદવી એનયાત કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન યોજાયેલા પ્રવાસ દરમિયાન તાલીમાર્થીઓએ તેમના કેમેરામાં કન્ડારેલી તસ્વીરોનું પ્રદર્શન યોજાયું હતુ જેને ખૂલ્લુ મુક્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ નિરીક્ષણ કરી ત્રણ શ્રેષ્ઠ તસ્વીરોને મેડલ જાહેર કરી તેમને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં.

બોક્ષ

વર્ષ ૨૦૨૧-૨૩ ની તાલીમી રેન્જર્સ બેચમાં સૌથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર હિમાચલની ગોલ્ડ મેડાલિસ્ટ તાલીમી ફોરેસ્ટ ઓફિસર દીપિકા ચંડેલને ગોલ્ડ અને બે સીલ્વર મેડલ એનાયત કરાયા હતા. તેણીએ પોતાની ૧૮ મહિનાની તાલીમ પૂર્ણ થવાના અવસરે પોતાની યાદગાર ક્ષણોને અભિવ્યક્ત કરતા જણાવ્યું કે, ૨૦૨૧ માં ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ (GFRC) મા તાલીમમાં જોડાઇ હતી આ તાલીમ દરમિયાન અનેક પ્રકારની સુવિધાઓ અને તકો મળવાના કારણે આજે ફોરેસ્ટ ઓફિસરની પદવી પ્રાપ્ત કરી ગર્વની લાગણી અનુભવું છું. ભવિષ્યમાં પ્રત્યેક પ્રાકૃતિક સંપત્તિ અને સૌંદર્યનું રક્ષણ કરવું એ મારું પ્રથમ કર્તવ્ય રહેશે.

[wptube id="1252022"]
Back to top button