NANDODNARMADA

નર્મદા જિલ્લાને વ્યાજખોરી મુક્ત બનાવવા પોલીસ તંત્રની કવાયત : સરદાર ટાઉન હોલ ખાતે લોકસંવાદ યોજાયો

નર્મદા જિલ્લાને વ્યાજખોરી મુક્ત બનાવવા પોલીસ તંત્રની કવાયત : સરદાર ટાઉન હોલ ખાતે લોકસંવાદ યોજાયો

લાયસન્સ વિના વ્યાજે નાણાં આપીને ખોટી રીતે વસૂલાત કરનારાઓને હવે જિલ્લા પોલીસતંત્ર નહીં બક્ષે – જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતને વ્યાજખોરી મુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અંતર્ગત નાગરિકોમાં સામાજિક જાગૃતિ આવે તે હેતુ સાથે લોકસંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે “લોક સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, વસ્તુ અને નાણાંની લેવડ-દેવડ એ મનુષ્ય જાતિના ઇતિહાસનો સૌથી જૂનો વ્યવસાય છે. લાલચ અથવા મજબુરીના કારણે અત્યાર સુધી લોકોને ખાનગી પેઢી પાસેથી વ્યાજે નાણા લેવાના કારણે મોટું નુકસાન થયું છે. આજે પરવાનગી વગર વ્યાજનો વ્યવસાય કરતા લોકો મર્યાદિત વ્યાજ કરતા વધુ વ્યાજ લઈ રહ્યાં હોવાની અનેક ફરિયાદો સામે આવે છે, લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાક-ધમકીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય ખોટી રીતે વસૂલાત પણ કરવામાં આવતી હોય છે. તે હવે નર્મદા જિલ્લા પોલીસ નહીં બક્ષે તેમ તેઓએ ઉમેર્યું હતું.

વધુમાં પ્રશાંત સુંબેએ કહ્યું કે, જિલ્લામાં ખોટી રીતે વ્યાજનો ધંધો કરતા લોકો અંગે નિડરતાથી જિલ્લા પોલીસ તેમજ જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરવા અપીલ કરી હતી. આવી માહિતી આપનાર નાગરિકોની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. ત્યારે વ્યાજખોરોની ગેરરીતિ અંગે આ લોકસંવાદમાં મેળવેલી માહિતીને અન્ય ૧૦૦ લોકો સુધી પહોંચાડવા સુંબેએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને અપીલ કરી હતી.

જિલ્લા રજીસ્ટ્રાર અભિષેક સુવાએ સાહુકારનો ધંધો કરનાર અંગે રાજ્ય સરકારના ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અંગે લોકોને ખુબ જ સરળ શબ્દોમાં સમજ આપતા જણાવ્યું કે, સૌ પ્રથમ વ્યાજના ધંધા માટે જિલ્લા રજીસ્ટ્રાટર પાસેથી લાયસન્સ મેળવવું જરૂરી છે. સાહુકારો જ્યારે મર્યાદા કરતા વધુ વ્યાજ તથા લોનની વસુલાત કરે તથા અન્ય કોઈ પ્રકારે ગેરરીતિ અપનાવે તો કાયદામાં કરેલી શિક્ષાત્મક પગલાની જોગવાઈએ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. લોન કે વ્યાજે પૈસા લેતી વખતે દસ્તાવેજીકરણ દરમયાન કેટલીક સાવધાની રાખવા અંગે પણ વિસ્તૃતમાં જણાવ્યું હતું. જિલ્લા પોલીસતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરી આવી ખોટી નીતિ અપનાવનાર સાહુકારો વિરુદ્ધ ફરિયાદ કરી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરવા અંગે આગ્રહ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button