
ભ્રષ્ટાચારે માઝા મૂકી : ગરુડેશ્વરના TDO આર.એન.રાઠવા અને તિલકવાડાના તત્કાલિન TDO ઘનશ્યામ પટેલ સહિત 23 લોકો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ
તિલકવાડા-ગરુડેશ્વરમા સામુહિક શોકપીટ બનાવ્યા વિના 6.89 લાખ રૂપિયા ઉપાડી લેવાયા!!!!
ગરુડેશ્વરના મીઠીવાવ અને નાસરીમાં સામુહિક શોકપીટની કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં ખોટા બીલ બનાવી 2.97 લાખ રૂપિયા અને તિલકવાડાના આમલિયા અને હિંમતપુરામાં 3.92 લાખ રૂપિયા મેળવી લીધા
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં વિકાસનાં કામમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.હાલમા જ નર્મદા DRDA ડાયરેક્ટર જે.કે.જાદવે સામુહિક શોકપીટના બાંધકામ મૂદ્દે ગરુડેશ્વર TDO અને તિલકવાડા તત્કાલિન TDO સહિત 23 લોકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. આ તમામ આરોપીઓએ સામુહિક શોકપીટનું કામ પૂર્ણ કર્યા વગર ખોટા બિલો બનાવી 6.89 લાખ રૂપિયા મેળવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
નર્મદામાં સામુહિક શોકપીટ બનાવવાની ચાલી રહેલી કામગીરી યોગ્ય થઈ છે કે કેમ એ બાબતે ચકાસણી ચાલી રહી હતી.જેમાં ગરુડેશ્વર તાલુકાના મીઠીવાવ અને નાસરીમાં તથા તિલકવાડા તાલુકાના આમલિયા અને હિંમતપુરામાં સામુહિક શોકપીટની કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં પૂર્ણ થયેલી દર્શાવાઈ હોવાનું બહાર આવ્યું હતું.આ ગંભીર બાબતે નર્મદા DRDA ડાયરેક્ટર જે.કે.જાદવે તપાસ કરતા ગરુડેશ્વરના મીઠીવાવ અને નાસરીમાં સામુહિક શોકપીટની કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં ખોટા બીલ બનાવી 2.97 લાખ રૂપિયા અને તિલકવાડાના આમલિયા અને હિંમતપુરામાં 3.92 લાખ રૂપિયા મેળવી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું.
આ ગંભીર ગુના બાબતે નર્મદા DRDA ડાયરેક્ટર જે.કે.જાદવે તિલકવાડાના તાત્કાલિક TDO ઘનશ્યામ પટેલ, મદદનીશ TDO સતીષ પટેલ, દિવ્યેશ પરમાર, સંજય તડવી, તલાટી કૈલાશ બારીયા, આમલીયાના સરપંચ શંકર ભીલ, સચિન પટેલ અને દર્શન સચિન પટેલ તથા ગરુડેશ્વરના TDO આર.એન.રાઠવા, ચંદ્રશેખર ભીલ, સુરેશ વસાવા, ડી.પી.વસાવા, નાસરીના સરપંચ પ્રવિણાબેન તડવી, તલાટી જયેશ પ્રજાપતિ, નરેશ તડવી, મીઠીવાવના સરપંચ આર.વી.ભીલ, તલાટી ગીરીશ તડવી, ગુલાબ વસાવા, વેદ એન્ડ કંપનીના ઓડિટર, ધી સાંકળ ઉડવા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના હોદ્દેદારો તથા HRK & CO ના ઓડિટર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.