
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝના માલિક જીતેન્દ્રકુમાર અરજણભાઈ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ૮ જાન્યુઆરીના રોજ કારખાનામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં તપાસ કરતા રૂપિયા ૮ લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન, રૂપિયા ૨૫ હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા ૧ લાખની કિમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ રૂપિયા ૯.૨૫ લાખના મુદામાલની ચોરી થઇ હતી.આ ફરિયાદ બાદ પોલીસે તાપસનો ધમધમાટ ચલાવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, ચોરી થયા બાદ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં કરતો અને પીપળી ગામમાં જ રહેતો શ્રમિક બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ લાપતા થયો હતો. જે બાદ પોલીસે બિશ્નકુમાર અંગેની વિગત તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરુ કર્યું હતું.
તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે, ચોરી થયા બાદ આઇસર વાહન નંબર MH- 15-HH-8669માં પાંચ આરોપીઓ સવાર હતા અને તેમાં ચોરીનો મુદ્દામાલ પણ હતો. એ સમયે પોલીસને બાતમી મળી હતી કે આરોપી આઇસરમાં રાજસ્થાન જવા નીકળ્યા હતા. જેથી પોલીસે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું હતું અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉદયપુર જિલ્લામાં આરોપીઓ છુપાયેલા છે. તેથી મોરબી તાલુકો પોલીસની ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની પોલીસની સાથે સંકલન કર્યું હતું અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામે સીસીટીવી ફૂટેજમાં દેખાતું આઇસર મળી આવ્યું હતું. જેને પગલે પોલીસે દરોડા પાડતા આરોપીઓ બિશ્નકુમાર, ગણેશ શાંતિલાલ દુભાષે, ગોવિંદ દિનકર ધાદવડ, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત અને રાજકમલ ગંધર્વસિંહ રાજપુત મળી આવ્યા હતા. આ ઉપરાંત ચોરી થયેલ રૂપિયા ૮ લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન, રૂપિયા ૨૫ હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા ૧ લાખની કિમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ રૂપિયા ૯.૨૫ લાખના મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખનું આઇસર અને ચોરાઉ મુદામાલ સહિત રૂપિયા ૧૯.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.