મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ ટંકારા ખાતે યોજાયો.

મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ ટંકારા ખાતે યોજાયો.
GCERT – ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત બે દિવસીય મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ 51 જેટલા શિક્ષકોએ પોતાના વર્ગ શિક્ષણ કાર્યની સમસ્યા જેવી કે શાળામાં વિદ્યાર્થીની હાજરી, શિક્ષણની ગુણવત્તા, મૂલ્ય શિક્ષણ, શિક્ષણમાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી, સામાજિક જાગૃતિ વગેરે વિષયો પર સુધારો લાવવા કરેલ નાવિન્ય પૂર્ણ ઇનોવેશનો રજૂ કર્યા. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોના નવતર પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રવિણભાઈ અંબારીયા અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિનેશભાઈ ગરચર, આર્ય વિદ્યાલયમ્ ના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા સાથે વિવિધ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ ઇનોવેટીવ શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને આર્ય સમાજ ટંકારા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર પુસ્તક રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા ઇનોવેશન ફેસ્ટિવલ ડી.આઈ.સી. ડૉ. ગંગાબેન વાઘેલા, ડાયેટ રાજકોટ પરિવાર, આર્ય વિદ્યાલયમ્ શાળા પરિવાર, બી. આર.સી. ટંકારા પરિવાર, મોરબી જિલ્લા ઇનોવેશન કે.આર.પી. જીતેન્દ્ર પાંચોટિયા અને આર.પી. અનિલ બદ્રકીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.