
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
માખલીયા પ્રાથમિક શાળા નો સ્થાપના દિવસ ઉજવાયો
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની માખલીયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી પહેલ કે દરેક શાળા પોતાના સ્થાપના દિવસને શાળાનો જન્મદિવસ તરીકે ઉજવે ત્યારે 1/1/1954 ના રોજ સ્થાપના થયેલ માખલીયા પ્રાથમિક શાળાનો આજે 70મો સ્થાપના દિવસ હતો. રવિવારનો દિવસ હોવા છતાં તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે શાળામાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો જેમાં ગામના સરપંચશ્રી, શાળા વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષશ્રી તેમજ માખલીયા શાળાનું શિક્ષક દંપતી શ્રી ભોઈ જયંતીભાઈ અને શિક્ષિકા શ્રીમતી પ્રેમીલાબેન ભોઈ યજમાન તરીકે બેસીને યજ્ઞ વિધિ સંપન્ન કરી હતી. શાળાના બાળકો અને શિક્ષકોએ એક અઠવાડિયાથી મહેનત કરીને શાળા અને શાળાના પટાંગણને દુલ્હનની જેમ શણગાર્યું હતું. શાળામાં ઉજવાયેલા આ અનોખા સ્થાપના દિવસની ખાસ વિશેષતા એ હતી કે શાળાની સ્થાપનાના પ્રથમ વર્ષે શાળામાં દાખલ થયા હોય અને એવા વ્યક્તિઓ હાલમાં હયાત હોય એમને શોધી આમંત્રિત કરી એમનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના કાર્યક્રમની શરૂઆતમાં ગામના સરપંચ વિક્રમભાઈ, સિગ્નલી ગામના સરપંચ બાબુભાઇ તથા smc ના અધ્યક્ષની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ ઉત્સાહભેર 30 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા, ઉપસ્થિત ગ્રામજનો એ શાળાના બાળકોને પ્રોત્સાહક 8800 રૂ જેટલું ઇનામ જાહેર કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના પ્રતિભાશાળી શિક્ષકોએ પોતે મેળવેલી સિદ્ધિઓ અને શાળા માટે તેઓએ આપેલ વિશેષ યોગદાનનું વર્ણન કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. ગામના સરપંચ વિક્રમભાઈએ શાળામાં થતી કામગીરીને બિરદાવી શાળા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, સરપંચ બાબુભાઈએ પણ શુભકામનાઓ પાઠવતા બાળકલાકારોને બિરદાવ્યા હતા. Smc અધ્યક્ષ દ્વારા શાળામાં ચાલતા શિક્ષણકાર્યને વખાણવામાં આવ્યું હતું અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળામાંથી એક શિક્ષક એસ.આઈ બનતા એમને શાલ નાળિયેર અને ફુલહાર પહેરાવી વિદાઈ આપવામાં આવી હતી. શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો વાલીઓ બાળકો માટે ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આમ મોજીલા માખલીયા માટે વર્ષ 2023નો પ્રથમ દિવસ ખૂબ આંનદમય, મંગલમય અને ધાર્મિક બની રહ્યો.