KUTCHMUNDRA

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

૧૩-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને અધિવકતા પરિષદ મુન્દ્રા શાખાના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન.

વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને પોકસો એકટ અંગેની જરૂરી સમજ અને કાયદાનું ઉલ્લંઘન ન કરવાની સલાહ આપવામાં આવી.

સ્ત્રીઓ કાયદાથી જાગૃત બને એ હાલના સમયની તાતી જરૂરિયાત.

 

દરેક ઘરમાં કાયદાનું એક પુસ્તક હોવું જોઈએ.

મુન્દ્રા કચ્છ :-  યુવા દિવસના ઉપલક્ષમાં કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને અધિવકતા પરિષદ મુન્દ્રા શાખાના સંયુક્ત ઉપક્રમે આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મુન્દ્રાની એસ. ડી. શેઠીયા બી. એડ. કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભમાં પ્રસંગ પરિચય આપતા રાજીવભાઈ ત્રિવેદીએ પોતાની આગવી શૈલીમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને વિચારો અંગે પ્રકાશ પાડ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા એ. જી. ઓઝાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને પોકસો એકટ અંગેની જરૂરી સમજ આપીને કાયદાનું ઉલ્લંઘન ન કરવાની સલાહ આપી હતી. જયારે ડી. એ. પટેલે ત્રિસ્તરીય ન્યાયતંત્રમાં મફત કાયદાકીય સલાહ અંગેના વિભાગની જાણકારી આપી હતી.

મુન્દ્રાના સિનિયર એડવોકેટ પ્રવિણચંદ્ર ગણાત્રાએ લોકશાહી દેશમાં ન્યાયતંત્રની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી આપતા વકીલમાં રીડર, નીડર અને લીડરના ગુણોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. જયારે પી. બી. સોનીએ સ્વામી વિવેકાનંદજીના વિચારોને અનુસરીને અમલમાં મૂકવાની હિમાયત કરી હતી.

આર. ડી. ટ્રસ્ટના મંત્રી અને વિદ્વાન વકીલ વિશ્રામભાઇ ગઢવીએ સ્ત્રીઓ કાયદાથી જાગૃત બને એ હાલના સમયની તાતી જરૂરિયાત છે તેવી સમજણ આપતા દરેક ઘરમાં કાયદાનું એક પુસ્તક હોવું જોઈએ તેમ જણાવ્યું હતું.કાર્યક્રમના અંતે આભારવિધિ અધિવક્તા પરિષદના સંયોજક રેનીશભાઈ રાવે કરી હતી.

[wptube id="1252022"]
Back to top button