
૧૩-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભાગ લેનાર 30 બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા.
મુન્દ્રા કચ્છ :- પ્રાથમિક શાળાનું શિક્ષણ એટલે પ્રવૃત્તિમય અને આનંદદાયી શિક્ષણ.ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં સર્વાંગી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા કક્ષાએ વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ જ હેતુને ધ્યાનમાં રાખી મુન્દ્રા તાલુકાના બગડા ગામની પ્રાથમિક શાળામાં આરોગ્યલક્ષી પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 6-6 વિદ્યાર્થીઓના પાંચ જૂથો દ્વારા ચાર્ટ પેપર ઉપર આરોગ્યલક્ષી વિષયને આવરી લઈને પોતાની આવડત મુજબ રંગબેરંગી પોસ્ટર બનાવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય કિશોર સ્વસ્થ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શાળાના શિક્ષક લિનેશ વાઘેલા દ્વારા સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમોને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એડોલેશન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ બાળકોને જીવન કૌશલ્ય વિકસાવવા અને ભોજનમાં પૌષ્ટિક આહારની સાથે આયર્ન ફોલિકની ગોળીઓ પણ દર અઠવાડિયે નિયમિત લેવાની સલાહ આપી હતી. ગામના ઉપસરપંચ કાનાભાઈ ચાવડા ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો સુધીર પટેલ, લિનેશ વાઘેલા અને પ્રેમ પટેલ સહયોગી રહ્યા હતા. શાળાના આચાર્ય દિનેશભાઈ પરમારે આભારની લાગણી વ્યક્ત કરી હતી.