
ગિરનાર સર કરવા ૧૨૨૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી
વાત્સલ્યમ્ સમાચાર
ભરતબોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૧, ૩૭ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૧૨૨૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી. જેમાં સીનીયર ભાઈઓમાં ૪૮૧, જુનીયર ભાઈઓ ૪૧૭, સીનીયર બહેનો ૧૫૭, જુનીયર બહેનો ૧૭૨ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૩૬ મીનીટના સમય સાથે ગિરસોમનાથના વાળા પારૂલે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ ૫૮.૪ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ૪૦.૩૧ મીનીટના સમય સાથે જૂનાગઢનીવિધાર્થીની કાથુરિયા રોઝીના એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં ગીરસોમનાથના ડાભી યોગેશે ૫૮.૪ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે વાજા જાગૃતીએ ૪૩.૪૧ મીનીટ સાથે,ત્રીજા ક્રમે વંશ ઝરણા ૪૩.૪૨ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ભીલાલા મોહને ૧.૨.૨ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ચૈાહાણ શૈલેષકુમાર, જુનીયર બહેનોમાં બીજા ક્રમે રોઠોડ હીરલ ૪૪.૨૯, ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા ૪૪.૫, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગાવડિયા અભિષેકે ૧.૧.૫૪ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ભાટીયા રવીએ ૧.૪.૧૨ મીનીટ સાથે ગિરનાર સર કર્યો હતો.
પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, પુનીતભાઈ શર્મા, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અગ્રણીઓ, અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો. જયારે બહેનોની સ્પર્ધાનો ૯-૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.
વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કોર્પોરેટર આરતીબેન જોશી, કોર્પોરેટર શીલ્પાબેન જોશી, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, અગ્રણી મોહનભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ તકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે,ગિરનારની આ કઠિન સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને,ભાગ લેનાર સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.તેમજ સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યા હતા. સાથે જ આ કઠીન સ્પર્ધામાં બહેનો પણ વધુ પ્રમાણમાં જોડાઈ રહી છે તેની ખુશી વ્યકત કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા એ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૭૧ થી આ સ્પર્ધા શરૂ થઈ છે. ત્યારે હાલમાં ૩૭ મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ છે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. તેમણે સ્પર્ધકોના જુસ્સાને બીરદાવતા કહયું હતું કે, સ્પર્ધામાં જીત-હાર ઈનામ એ એક વ્યવસ્થાનો ભાગ હોય છે. પરંતુ આવી કઠિન સ્પર્ધામાં ભાગ લેવોજ મહત્વની બાબત છે. વધુમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં મળેલ સર્ટીફીકેટ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને એ માટે રાજ્ય સરકારમાં ધ્યાન દોરાશે.
સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાએ કર્યુ હતું. આભાર વિધિ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરાએ કરી હતી.
સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.