
જામનગર તા.૦૮ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર તાલુકાના શેખપાટ, જાંબુડા અને ખીજડીયા ગામ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી સર્કીટ હાઉસ જામનગરની સાથે ગામડાઓમાં જઈને પણ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરે છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે.
કૃષિમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. મંત્રીશ્રીએ પોતાનામાં અતૂટ વિશ્વાસ મૂકવા બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રી રાઘવજીભાઈનું ઠેરઠેર લોકોએ ફૂલહારથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આગેવાન સર્વ શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી શરદભાઈ ગઢવી, શ્રી સુર્યકાંતભાઈ, શ્રી ભગવાનજીભાઈ , શ્રી જીલુભા સોઢા, આજુબાજુનાં ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં…..
રિપોર્ટર::શરદ એમ.રાવલ.