GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોને પોલીસે ટીંગાટોળી કરી ઉઠાવ્યા

ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો આંદોલન કરવા એકત્ર થાય તે પહેલા જ ગાંધીનગરમાં પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી.

ગુજરાતભરમાંથી ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. પોતાની માંગ સરકાર પાસે રજૂ કરવા આવ્યા હતા પરંતુ બહેરા કાનવાળી સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે પહેલા તેને દાબી દેવા માટેનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. પથિકાશ્રમ એસટી ડેપો પાસેથી જ પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીનીઓની ટીંગાટોળી કરીને ઉઠાવી લેવાયા છે. કેટલાક ઉમેદવારોએ ચક્કાજામ કર્યું છે.

જૂના સચિવાલય સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. પરંતુ વિરોધની મંજૂરી ન હોવાથી અટકાયત કરવામાં આવી છે. પથિકાશ્રમ ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહીને ટેટ -ટાટ પાસ ઉમેદવારોને વિખેરી આંદોલનને વેરવિખેર કરી દેવામાં આવ્યો છે. ખૂબ જ લાંબા સમયથી શિક્ષકોની ભરતી અંગે માગ કરવામાં આવી રહી છે.

પરંતુ હવે હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવા તૈયાર નથી અને કાયમી ભરતીની જ ઉગ્ર માંગ કરી રહ્યા હોઈ આજે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મુકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર  થયા ન હતા.  પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે.

હજુ પણ સરકાર આ વર્ષે કરાર આધારીત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી જ કરવા જઈ રહી છે અને જે માટે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામા આવી છે ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. આજે સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં સચિવાલય– જીવરાજ મહેતા ભવન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થાય તે પહેલા પોલીસે ઉઠાવી લીધા છે.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન-દેખાવ કરીને ઉમેદવારો કાયમી ભરતી માંગ કરશે. ટેટ-ટાટ પાસ  ઉમેદવારો હવે સરકાર સામે લડી લેવાના  મૂડમાં હોઈ જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે.

[wptube id="1252022"]
Back to top button