
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ખાતળ ફાટકથી ઘોડી માર્ગ ઓવર ટોપીંગને કારણે અવરોધાયો.જ્યારે ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશયી થતા તંત્રની ટીમે તુરંત જ કામગીરી હાથ ધરી માર્ગ ખુલ્લા કર્યા…ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ, સુબિર સહિત સાપુતારા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી મેધ મહેર યથાવત રહેવા પામી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી મહેરે તાંડવ રચતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ સીઝનમાં પ્રથમ વખત પાણીની આવક સાથે બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી છે.સાથે જ જંગલ વિસ્તારમાં તથા ગામડાઓનાં વહેળા, કોતરડા,ઝરણાઓ તેમજ ખેતરોનાં ક્યારડાઓ શુક્રવારે ઓવરફ્લો થઈ જતા પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ.
ડાંગ જિલ્લામાં પાંચ દિવસથી પડી રહેલ વરસાદી તાંડવનાં પગલે જિલ્લા પંચાયત માર્ગ મકાન હસ્તકનાં અનેક સ્થળોનાં કોઝવે કમ પુલો પર ખાડાઓ પડી જતા વાહનચાલકોને મોટી નોબત વેઠવાનો વારો આવ્યો છે.જ્યારે આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ એક સ્થળે યુટર્ન વળાંકમાં પાણીનો ભરાવો થઈ જતા આ સ્થળ વાહનો માટે ખતરારૂપ સાબિત થયુ હતુ. જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા અહી તુરંત જ પાણી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરતા વાહનચાલકોએ રાહત મેળવી હતી.ડાંગમાં વરસી રહેલા એકધારા વરસાદને પગલે વઘઇ તાલુકાનાં ખાતળ ફાટકથી ઘોડી રોડ ઓવર ટોપીંગ થવાને કારણે અવરોધાયો છે.જ્યારે સ્ટેટ હાઇ-વે નં.14 આહવા-ચિંચલી-બાબુલઘાટ રોડ ઉપર ઘાટમાર્ગમાં પથ્થરો ધસી પડતા થોડાક સમય માટે ઘાટમાર્ગ અવરોધાયો હતો.જોકે ડાંગ સ્ટેટ માર્ગ મકાન વિભાગે અહી પણ જે.સી.બી વડે તાત્કાલીક પથ્થરોને હટાવી આ માર્ગ પણ યાતાયાત માટે ખુલ્લો કરાયો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ડાંગનાં સુબિર પંથકમાં 106 મિમી અર્થાત 4.24 ઈંચ, સાપુતારા પંથકમાં 123 મિમી અર્થાત 4.92 ઈંચ, વઘઇ પંથકમાં 125 મિમી અર્થાત 5 ઈંચ જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 133 મિમી અર્થાત 5.32 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..





