
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અગાઉ કૉંગ્રેસની પક્કડ મજબૂત હતી.પરંતુ આદિવાસીઓનાં મસીહા તરીકે ઓળખાતા માજી કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને પ્રભારી અશોકભાઈ ધોરાજીયાની ચાણક્ય નીતિથી ડાંગ જિલ્લામાં કૉંગ્રેસનાં ગઢમાં ગાબડુ પાડવામાં સફળતા મળી હતી.બાદમાં ડાંગ જિલ્લામાંથી કૉંગ્રેસનાં કદાવર નેતાઓમાં મંગળભાઈ ગાવીત, ચંદરભાઈ ગાવીત,બાબુભાઈ બાગુલ,ભરતભાઈ ભોયે,હરીશભાઈ બચ્છાવે પંજાનો હાથ છોડી ભાજપાનો ભગવો ધારણ કરી લેતા બે વખતની વિધાનસભાની અને તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ડાંગ જિલ્લામાં ભાજપા પક્ષને ભારે બહુમતીથી જીત મળી હતી.અને હાલમાં ડાંગ જિલ્લામાં વિધાનસભા,જિલ્લા અને ત્રણેય તાલુકા ભાજપાનાં ખોળે છે.ડાંગ જિલ્લામાંથી કૉંગ્રેસ પક્ષમાંથી મોટાભાગનાં કદાવર નેતાઓ ભાજપા પક્ષમાં જોડાઈ જતા ખીચડી બનવાની સાથે ડાંગ ભાજપા પાર્ટીમાં આંતરિક કલહ ચરમસીમાએ પોહચ્યો છે.જેમાંય સરકારમાં રહીને સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર સામે બંડ પોકારનાર ખુદ ડાંગ જિલ્લાનાં ભાજપા સંગઠનનાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે ગતરોજ પ્રમુખપદેથી સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ખરેખર ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે સ્વૈચ્છિક નહી પરંતુ તેઓએ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો બંડ પોકારતા તેઓ પાસેથી કદાચ ગુજરાત ભાજપા પ્રદેશ સમિતિએ દબાણ કરી રાજીનામુ પણ લખાવી લીધુ હોય શકે છે.કારણ કે ભાજપા પાર્ટીને ઉભો કરનાર અને શિસ્તને વરેલા ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ દશરથ પવાર જ થોડાક સમયથી અશિસ્ત બની ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવતા ચર્ચાની સાથે પ્રદેશ મોવડી મંડળને કણીની જેમ ખૂંચવા લાગ્યા હતા.આ સ્વૈચ્છિક રાજીનામા બાબતે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કઠપૂતળી બની કશુંય બોલવા તૈયાર નથી.કારણકે ભાજપાની શિસ્ત અને કેડર બેઝ પાર્ટીમાં ઉંચા અવાજવાળા સુરને લાંબો સમય બોલવાની તક અપાતી નથી.તેવામાં ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ સાથે સાથે ગતરોજ આહવા તાલુકા મંડળનાં પ્રમુખ સંજયભાઈ વ્યવહારેએ પણ રાજીનામુ ધરી દીધુ છે.તેવામાં આજરોજ ડાંગ જિલ્લાનાં ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં વધુ ત્રણ રાજીનામા પડ્યા છે.ડાંગ જિલ્લામાં ભાજપા લઘુમતી મોરચાનાં મહામંત્રી આસીફભાઈ.સી.શાહ,ડાંગ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનાં પ્રમુખ પ્રવીણભાઈ એ.આહિરે,અને ડાંગ જિલ્લાનાં અનુસુચિત મોરચાનાં મહામંત્રી બાળુભાઈ એન ગવળીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને સ્વૈચ્છિક રાજીનામા ધરી દેતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં મોટા ભુકંપની સ્થિતિ સર્જાઈ છે.ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવારનાં બચાવમાં ડાંગ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ નિર્મળાબેન ગામીત,કારોબારી અધ્યક્ષ વિજયભાઈ ચૌધરી, આહવા તાલુકા પંચાયતનાં ચેરમેન દિપકભાઈ પીંમ્પળે,માજી ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન,માજી જિલ્લા પંચાયતનાં પ્રમુખ બીબીબેન ચૌધરીનાઓ આવ્યા છે.આ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ડાંગ જિલ્લામાં પાર્ટી પ્રમુખ તરીકે દશરથભાઈ પવારને યથાવત રાખવાની ભલામણ કરી છે.ત્યારે જોવુ એ રહ્યુ કે શિસ્ત અને કેડરબેઝને વરેલી ભાજપા પાર્ટી ભ્રષ્ટાચાર સામે બંડ પોકારનાર પાર્ટી પ્રમુખને યથાવત રાખશે કે નવા ચહેરાને સ્થાન આપશે તે સમય જ બતાવશે…





