
તા.05.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદનાં ૩૦૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૪ કરોડની કેશ ક્રેડિટ સહાય
દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
દાહોદ, તા. ૫ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ નગરના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સ્વસહાય જુથો માટે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમમાં ૩૦૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૪ કરોડની રકમની ક્રેડિટ સહાય અપાઇ હતી. કાર્યક્રમમાં સ્વસહાય જુથની બહેનોએ પોતાની સફળતાની વાત પણ જણાવી હતી.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમનો સર્વાગી વિકાસ થાય એ માટે સરકાર પ્રતિબંદ્ધ છે. મહિલાઓ સામાજિક-આર્થિક ક્ષેત્રે આગળ આવે તે માટે સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમને સહાયરૂપ બની રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના તમામ ક્ષેત્રે વિકાસ થાય એ માટે તમામ જરૂરી સહાય વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી પૂરી પાડી છે.
તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં મહિલાઓ મોટી સંખ્યામાં વિવિધ સ્વસહાય જુથોના માધ્યમથી આત્મનિર્ભર બની છે. અત્યાર સુધીમાં ૮૦૦૦ થી પણ વધુ સખી મંડળોને કરોડોનું ધિરાણ-સહાય અપાઇ છે. સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આર્થિક રીતે પગભર બનતા તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. સરકાર પણ મહિલાઓને તમામ ક્ષેત્રમાં આગળ લાવવા માટે દિવસ-રાત પ્રયાસરત છે. સ્વસહાય જુથની મહિલાઓ હજુ પણ નવી ક્ષિતિજોને સર કરે એ માટે સાંસદશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
દાહોદનાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ મહિલાઓનો સર્વાગી વિકાસ થાય અને આત્મર્નિભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે મહેશભાઇ ભૂરિયા, મહેન્દ્રભાઇ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ, ધાનપુર, તાલુકા પંચાયત પ્રમુખ, દાહોદ, અગ્રણી સરતનભાઇ, પર્વતભાઇ ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલ, સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા