
તા.૧/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
પ્રાથમિક શાળાના બાળકો માટે “ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ” રમત-ગમ્મતમાં ભાગ લેવો સ્વાસ્થ્ય માટે લાભદાયી
રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે તા. ૨૯ ઓગસ્ટના રોજ હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ. આ દિવસ નિમિત્તે મુંજકા-૨ ખાતે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના બાળકોને આપણી પરંપરાગત રમતો અંગે માહિતી આપીને વિવિધ રમતો જેમાં રસ્સા ખેંચ ,લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી અનેક દેશી રમતો રમાડવામાં આવી હતી. શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને બાળકો માટે કબડ્ડી, ખો ખો, રીલે રમતો, દોડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ વગેરે જેવી અનેક સ્પર્ધાઓનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો તેમજ શિક્ષકો દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં શાળામાં રંગોળી બનાવી રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.

આ પ્રસંગે અગ્રણીશ્રી, રાજુભાઈ ધૃવએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શાળામાં શિક્ષણ સાથે બાળકોના શારીરિક વિકાસ માટે રમતગમતને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્વનુ છે. મોબાઇલથી આજે બાળકોની માનસિક સ્થિતિને નુકસાન થઈ રહ્યું છે, શહેરોના બાળકોમાં મોબાઈલ ગેમ્સ રમવાનું દૂષણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ દેશી રમતો પ્રત્યે રસ દાખવતા કરવા માટે શ્રી મુંજકા-2 પ્રાથમિક શાળા, રાજકોટએ કરેલ પહેલ ખુબ સરાહનીય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ પ્રત્યે બાળકોને રસ લેતા કરવા તેમજ તેમનામાં રહેલ શક્તિને બહાર લાવવા માટે હાલમાં જ “ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ” શરૂ કરવામાં આવ્યો છે જેમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને પસંદ કરી એથ્લેટીક્સ,સ્વિમિંગ, કબડી ખો ખો જેવી રમતમાં આગળ વધારવા માટે કોચ પુરા પાડવામાં આવશે તેમજ તેમને રમતના મેદાન સુધી આવવા જવા માટે સીટી બસનો પાસ ફ્રી આપવામાં આવશે તે વાતનો ઉલ્લેખ કરી બાળકોને રમતગમત સાથે જોડાઈને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ વિશેષ પર્વની ઉજવણીમાં સમિતિના ચેરમેન શ્રીવિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન શ્રીપ્રવીણભાઈ નિમાવત તેમજ શાળાના આચાર્યશ્રી એમ.એચ.સુધાગુનિયા, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.








