
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાચીન ભારતિય યોગ પરંપરા સામે નત મસ્તક જગતે યોગ ચિકિત્સા અને પ્રાણાયામ અપનાવવા તરફ દોટ મૂકી છે, ત્યારે યોગમય બનેલા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની એક છત્રીસ વર્ષીય યુવતિએ પણ, યોગના બળે તેના રોગને ભગાડી, વિદેશી દવાને તિલાંજલિ આપી છે.
વાત છે આહવા નગરના PWD કોલોની ખાતે રહેતા શ્રીમતી નયનાબેન દીપકભાઈ પટેલની. કે જેમણે તેમને પજવતા, થાઈરોઈડ, હાઇ બી.પી., અને પગની નસોમાં રહેતા તણાવની બિમારીને નિયમિત યોગાભ્યાસ કરીને દૂર કરી છે.
ચાર વર્ષ અગાઉ ૯૦ કિલોગ્રામ જેટલું ભારે વજન અને થાઇરોડિક, બી.પી., તથા પગની નસોની તકલીફને કારણે ઉઠવા બેસવામાં પણ ખુબ જ તકલીફ અનુભવાતી હતી, એમ જણાવતા નયનાબેને કહ્યું હતું કે, યોગ અને પ્રાણાયામને દૈનિક જીવનમાં સ્થાન આપી નિયમિત રીતે યોગાભ્યાસ કરવાથી માત્ર છ જ માહિનામાં વિદેશી દવા બંધ કરીને, માત્ર યોગ, પ્રાણાયામથી જ ભારે વજન સહિત થાઇરોઈડ અને બી.પી.ને કંટ્રોલ કરતાં તેમના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા.
રોજના એક કલાકના યોગાભ્યાસથી પોતાની શારીરિક અને માનસિક સ્થિતિમાં આવેલા બદલાવને કારણે યોગ-પ્રાણાયામમાં તેમનો વિશ્વાસ દ્રઢ થવા સાથે, તેઓ દરરોજ નિયમિત રીતે યોગાભ્યાસ કરીને પોતાને ફીટ રાખી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
યોગ અને પ્રાણાયામના ચમત્કારિક પરિણામો અનુભવી ચૂકેલા નયનાબેન પટેલે, સૌને પોતાના જીવનમાં યોગ અને પ્રાણાયામને સ્થાન આપવાની અપીલ કરી છે.
શ્રીમતી નયનાબેન પટેલ આહવા તાલુકા પંચાયતની આહવા-૨ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને એક ગૃહિણી છે. તેમનો સંપર્ક નંબર : ૭૯૮૪૮ ૨૪૮૪૩ છે.








