યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ ઉજવણી કાર્યક્રમ યોજાશે

નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ભરૂચ- મંગળવાર- તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા.૨૧ જુન વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સ્વંમ અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તે સાથે નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. આ ઉપરાંત કોલેજ, જિલ્લાના તમામ તાલુકા, નગર પાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યું હતું. તે સાથે ૧૬ જુનથી ૨૦ જુન દરમિયાન પ્રિ- ઈવેન્ટ તાલીમ સાથે યોગ દિવસની તૈયારી ચાલુ થઈ છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે તે માટે જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય, યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ કલેક્ટરશ્રીએ કર્યો હતો.
જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગિતા તેમજ આબાલવૃદ્ધ નાગરિકો, સંસ્થાઓ, જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની રૂપરેખા આપી હતી. અમલીકરણ અધીકારીઓ ઉપરાંત વિવિધ યોગ સંસ્થાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.