વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 700 સ્વયંસેવકોનું જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો

8 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ, પાલનપુર બનાસકાંઠા
વિરમગામના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ નિકળેલા પથ સંચલને આકર્ષણ જમાવ્યું : પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ઉપસ્થિત રહ્યા (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને વર્ષ 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સંઘકાર્યના વિકાસ અને ગ્રામ્ય સ્થાનો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિરમગામ જિલ્લાના સંઘકાર્યના કાર્ય વિસ્તાર માટે જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું . રવિવારે વિરમગામના શેઠ એમ જે હાઇસ્કુલ ખાતે પૂર્ણ ગણવેશ સાથે 700 સ્વયંસેવકોનો જિલ્લા એકત્રીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયા દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું. શેઠ એમ જે હાઇસ્કુલ ખાતેથી પથ સંચલન કાઢવામાં આવ્યું હતું જે વિરમગામના મુખ્ય માર્ગો પર ફરીને પરત ફર્યું હતું. વિરમગામમાં શિસ્તબદ્ધ નીકળેલ પથ સંચલન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જિલ્લા એકત્રીકરણમાં બૌદ્ધિક, શાખા, બેઠક સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમમાં વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠા સાણંદ પાટડી દસાડા તાલુકામાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે, અત્યારે ઈસવીસન પ્રમાણે 21મી સદી ચાલી રહી છે પરંતુ ભારતીય કાલ ગણના પ્રમાણે 52 ની શતાબ્દી ચાલી રહી છે. હિન્દુત્વ, ભારતની સદી ચાલી રહી છે. દુનિયામાં આજે હિન્દુત્વ, ભારતનું મહત્વ વધી રહ્યું છે. આપણી સંસ્કૃતિ દુનિયાભરમાં ફેલાયેલી હતી પરંતુ કાળક્રમે આપણે ગુલામ બનતા ગયા. ફરીથી ભારત માતાને વિશ્વ ગુરુના સ્થાન પર બેસાડવાનું કાર્ય એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય. વસ્તી એ મિલકત છે અને મોટામાં મોટું હથિયાર છે. વસ્તી છે તેની સાથે સંસ્કારીત વસ્તીની પણ આવશ્યકતા છે. સંસ્કાર આપવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરી રહ્યો છે. આપણે ભૂતકાળ ભૂલ્યા, ઇતિહાસ ભૂલ્યા, આપણી પરંપરા ભૂલ્યા અને સંગઠનના અભાવથી આપણે ગુલામ બન્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ નકારાત્મક નથી પણ હકારાત્મક છે. આપણા દેશની સાચી ઓળખ હિન્દુ રાષ્ટ્ર છે. આ દેશની સંગઠન શક્તિ બધી સમસ્યાઓ સામે એન્ટીબોડીનું કામ કરશે.