
2 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં શનિવારના રોજ “પહેલું સુખ જાતે નર્યા” કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના મહાનુભાવ તરીકે યોગ તજજ્ઞશ્રી ડાહ્યાભાઈ વૈધ (પૂર્વ અધ્યક્ષ, પંતજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લા) ઉપસ્થિત રહ્યા હતાં. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ પુસ્તક અર્પણ કરી કર્યું હતું.”પહેલું સુખ જાતે નર્યા” કાર્યક્રમ અંતર્ગત શાળાના વિશાળ પટાંગણમાં સમૂહ કવાયતના તાસમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ આ કાર્યક્રમના મહાનુભાવ એવા યોગ તજજ્ઞશ્રી ડાહ્યાભાઈ વૈધએ યોગનું મહત્ત્વ, યોગના અંગો, વિવિધ પ્રાણાયામ, આસનો વગેરે વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. સાથે સાથે આશરે ૮૦ વર્ષની ઉંમર થયેલ હોવા છતાં યુવાનોને સાજે તેવા અદ્દભુત આસનો કરી શિક્ષકશ્રીઓને તથા વિદ્યાર્થિઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ સાથે વિદ્યાર્થીઓને પણ યોગ, પ્રાણાયમ અને આસનોનો મહાવરો કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ યોગ તજજ્ઞશ્રી ડાહ્યાભાઈ વૈધ પાસેથી પ્રેરણા લઈ પોતાના તંદુરસ્ત જીવન માટે જીવનમાં યોગ અપનાવવા તૈયારી દર્શાવી હતી અને “પહેલું સુખ જાતે નર્યા” કાર્યક્રમ અંતર્ગત હળવી કસરત, પ્રાણાયામ અને વિવિધ આસનો કરી વિદ્યાર્થીઓ આનંદિત થઇ ગયા હતા.આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સ્ટાફમિત્રો સહયોગથી વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે “પહેલું સુખ જાતે નર્યા” કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અભિનંદન પાઠવ્યા હતા.