ગુજરાતભરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ સામે કોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરાય

છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં એક યા બીજા કારણોસર ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર અને ખતરનાક હદે વધી રહ્યું છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે, રાજકીય મેળાવડા સહિતના અન્ય જુદા જુદા ઉત્સવ કે ધાર્મિક રેલી-પ્રસંગોમાં ડીજે ટ્રક અને અન્ય લાઉડસ્પીકર સીસ્ટમના કોઇપણ જાતના નીતિ નિયમ વિના આડેધડ ઉપયોગના કારણે રાજયભરમાં ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર રીતે ફેલાઇ રહ્યું છે. જેના કારણે સ્થાનિક નાગરિકો સહિત આમ આદમી બહુ હેરાન-પરેશાન થઇ જાય છે. ડીજે ટ્રક અને અન્ય લાઉડસ્પીકર મ્યુઝિક સીસ્ટમના કારણે ફેલાવાતા ધ્વનિ પ્રદૂષણને લઇ ઘણીવાર બાળકો, સીનીયર સીટીઝન્સ, વયોવૃદ્ધ, બિમાર માણસ(દર્દીઓ) કે, અન્ય શોક પ્રસંગગ્રસ્ત લોકોને બહુ વિકટ અને અસહનીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
આ પ્રકારે આડેધડ, અપ્રમાણસર અને બેરોકટોક ડીજે ટ્રક અને લાઉડ સ્પીકર મ્યુઝિક સીસ્ટમના બેફામ ઉપયોગના કારણે સામાન્ય જનજીવન પણ અસર પામતુ હોય છે. આટલા બધા ઉંચા અને અપ્રમાણસર અવાજ તેમ જ ધ્વનિ પ્રદૂષણના કારણે નાગરિકોને બહેરાશની તકલીફ આવી શકે અને અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને આ મામલે જરૂરી આદેશો જારી કરવા જોઇએ.
અરજદાર દ્વારા હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ખુદ સુપ્રીમકોર્ટે મહત્વનો ચુકાદો અને માર્ગદર્શિકા જારી કરેલા છે. જે મુજબ, કોઇપણ સંજોગોમાં 75 ડેસીબલથી ઉપરનો અવાજ હોવો ન જોઇએ. તેમ છતાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. સત્તાવાળાઓ દ્વારા પણ સુપ્રીમકોર્ટના ચુકાદાનું પાલન નહી કરાવી અદાલતી તિરસ્કારનું કૃત્ય આચરાઇ રહ્યું છે. આ સરેઆમ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે, તેથી હાઇકોર્ટે આ મુદ્દો પણ ધ્યાને લેવો જોઇએ.