
તા.૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સીટી પ્રાઇડ સિનેમા જસદણ ખાતે મતદાર જાગૃતિ ફિલ્મ દર્શાવી નવતર પહેલ કરાઈ
Rajkot: આગામી લોકસભા ચૂંટણી -૨૦૨૪ અનુસંધાને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને મતદાર જાગૃતિ સંદેશ માટે વિશિષ્ટ નવતર પહેલ હાથ ધરી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેમાં ૭૨- જસદણ વિધાનસભા મત વિસ્તારમાં સિટી પ્રાઈડ સિનેમા, જસદણ ખાતે બેનર, પોસ્ટર અને મતદાર જાગૃતિ ફિલ્મ દ્વારા લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.

તદુપરાંત જામ ટીંબડી હાઈસ્કૂલ ખાતેથી સંકલ્પ પત્ર ભરાવી વિતરણ કરાવવામાં આવ્યા હતા. આ સંકલ્પ પત્રો વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને આપીને મતદાન કરવા પ્રેરણા આપી હતી. સરકારી ઉ.મા.શાળા રાયડીમા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓએ નાટ્ય કૃતિ રજૂ કરીને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.

શ્રી એચ.કે.વોરા હાઇસ્કુલ મોટીમારડ ખાતે “મતદાન આપનો અધિકાર” વિષય પર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ સંકલ્પ પત્ર ભર્યા હતા. એ.ઝેડ. કનેરીયા હાઈસ્કૂલ-ધોરાજીના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી મતદાર જાગૃતિના પ્રયાસો કર્યા હતા. પરાપીપળીયા પ્રા.શાળા અને શ્રી લાખાપર તાલુકા શાળા ખાતે “ચુનાવી પાઠશાળા” કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ પટેલ કન્યા વિનય મંદિર ધોરાજીની વિદ્યાર્થીની બાળાઓએ માનવ સાંકળ રચી મતદાન માટેની અપીલ કરી હતી.

આઈ.ટી.આઈ રાજકોટના તાલીમાર્થીઓએ મતદાનનું મહત્ત્વ સમજાવવા નાટક રજુ કર્યુ હતું તથા સ્માર્ટ વોટર તરીકે સેલ્ફી લઈ ચૂંટણીપર્વની ઊજવણી કરી હતી. સાથે જ મહિલા તાલીમાર્થીઓએ મહેંદીમાં “મતદાન ચૂકીશ નહિ”, “મારો મત મારી ઓળખાણ” “Be Bright Vote for Right” સંદેશાઓ દ્વારા મતદાનની મહત્વતા જણાવી લોકોને મતદાન કરવા પ્રેર્યા હતા તેમ, અધિક કલેકટર અને સ્વીપના નોડલ શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.









